Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ભાજપનું મિશન ૨૦૧૯ : ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરવા કમલમ્‌માં બેઠકોનો દોર

રાષ્‍ટ્રીય મહામંત્રી અનિલ જૈન, પ્રભારી ભૂપેન્‍દ્ર યાદવનું માર્ગદર્શન

અમદાવાદ તા. ૩૦ : ભાજપમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ જોવા મળી રહી છે ત્‍યારે પ્રદેશ ભાજપમાં પણ આજે કમલમ ખાતે દિવસભર વિવિધ બેઠકો યોજાયેલ છે. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રભારી ભૂપેન્‍દ્ર યાદવ, મુખ્‍યપ્રધાન વિજય રૂપાણી, રાષ્ટ્રિય મહામંત્રી અનિલ જૈન ઉપસ્‍થિત છે. ઉલ્લેખનીય છે કે ગત રાજયની વિધાનસભાની ચૂંટણી બાદᅠ ભાજપ દ્વારા પ્રાથમિક સ્‍તરેથી ફરી રીસફલિંગ જોવા મળી રહ્યું છે.

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેᅠ દિવસભર બેઠકોનો ધમધમાટ છે. આ બેઠકોમાં આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને લઇને રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કમલમ્‌ ખાતે ભાજપ દ્વારા સંગઠનાત્‍મક શ્રેણીની મેરેથોન બેઠકો મળી રહી છે. જેમાં લોકસભા ચૂંટણી સમિતિ, પ્રદેશ કોર ગ્રુપ અને પ્રદેશ મહામંત્રીઓની સંયુકત બેઠક પણ યોજાશે. પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો તેમજ જિલ્લા અને મહાનગરના પ્રભારીઓ પણ બેઠકમાં ભાગ લેશે.

ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. આજે ગાંધીનગરમાં ભાજપના મુખ્‍યાલય કમલમ ખાતે આખો દિવસ બેઠકોનો ધમધમાટ છે. સાંસદ અનિલ જૈનની અધ્‍યક્ષતામાં બેઠક યોજાયેલ છે.

સવારે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક બાદ ૧૧ વાગે પ્રદેશની ટીમ તથા પ્રભારીની ટીમ સાથે બેઠક યોજાયેલ. પાર્લામેન્‍ટરી બોર્ડની પણ બેઠક યોજાશે. જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીને લઈને ચર્ચા થશે.

પ્રભારી ભૂપેન્‍દ્ર યાદવ બપોરે ત્રણ વાગે કમલમ પહોંચશે. તો મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્‍થાને કોર કમિટીની બેઠક યોજાશે. જેમાં સીએમ રૂપાણી, ડેપ્‍યુટી સીએમ નીતિન પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ જિતુ વઘાણી સહિત કોર ટીમ લોકસભાની ચૂંટણીને લઈને પ્રથમ બેઠક કરશે. લોકસભા સમિતિની રચનામાં ૮થી ૧૦ પદાધિકારીઓનો સમાવેશ કરાયો છે.

(2:52 pm IST)