Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

તમામ પ્રયત્નો છતા નલીન કોટડીયા અને શૈલેષ ભટ્ટ 'ભાગેડુ' રહેશે તો, મિલ્કત જપ્તી માટે કોર્ટમાં જતા અચકાશું નહિઃ આશિષ ભાટીયા

નેશનલ-ઇન્ટરનેશનલ એરપોર્ટની લુકઆઉટ નોટીસમાં આરોપીઓના ખોટા પ્રથમથી જ છે, અલગથી ફોટા મોકલવાની જરૂર જ નથીઃ સીઆઇડી વડા : સુરતમાં સીઆઇડી સમક્ષ ખરેખર કેટલા હાજર થયા? અવઢવઃ આરોપીની શોધખોળ સઘન બનાવવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સર્વેલન્સ સાધનો સાથે ફરારીઓની શોધખોળમાં સતત કાર્યરત : ઇન્ટરનેશનલ લેવલે કયાં કેટલી ઓફીસ ? સીઆઇડીએ બીટ કનેકટ મામલે ત્રીજા તબક્કાની તપાસનો હજુ પ્રારંભ જ કર્યો નથી

રાજકોટ, તા., ૩૦: અમારી પાસે હાલમાં સતાવાર રીતે બીટ કોઇન્સ મામલાની બે તપાસ ચાલી રહી છે. જેમાં પ્રથમ તપાસ હાલ ફરારી આરોપી અને પ્રથમ તપાસના ફરીયાદી એવા શૈલેષ ભટ્ટનું અપહરણ તથા તે મામલામાં ફરારી બનેલા પુર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાની શોધખોળ અને બીજી તપાસ કે જેમાં પ્રથમ તપાસના ફરીયાદી ખુદ આરોપી બન્યા છે અને હાલમાં સીઆઇડીની શોધખોળ છતા મળી ન મળી આવતા તે બાબતની તપાસ જ છે. બીટ કનેકટ મામલો કે જેના તાર વિદેશો સુધી જોડાયેલા હોવાની ચર્ચા સાથે બીજી બાબતો પ્રકાશમાં આવી રહી છે. તેવા કોઇ મામલાની સીઆઇડીએ વિધિસર રીતે તપાસનો કોઇ પ્રારંભ કરેલ ન હોવાથી સતાવાર રીતે  એ બાબતે કંઇ કહેવું તે વ્હેલું ગણાશે તેમ ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશિષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેઓએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે, ઉકત બંન્ને આરોપીઓ (નલીન કોટડીયા અને શૈલેષ ભટ્ટ) બંન્નેને શોધવામાં સીઆઇડીએ કોઇ કચાશ રાખી નથી. આ માટે વિવિધ ટીમો રાજય બહાર પણ સતત દોડી રહી છે.

તેઓએ જણાવેલ કે ઉકત  બંન્ને આરોપીઓને ઝડપવા માટે તથા તેના લોકેશનો શોધી કાઢવા માટે અમદાવાદની શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોપણ સર્વેલન્સ ટેકનોલોજી સાથે સીઆઇડીની મદદમાં કાર્યરત છે.  ક્રાઇમ બ્રાન્ચ પણ આ બંન્ને આરોપીઓને શોધવા સતત દોડધામ કરી રહી છે.(અત્રે એ યાદ રહે કે સીઆઇડી ક્રાઇમના ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશિષ ભાટીયા ભૂતકાળમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના વડા તરીકે રેકોર્ડ બ્રેક કામગીરી બજાવી ચુકયા છે.  રાજકોટના ચેતન હાર્ડવેરવાળા યુવાનના અપહરણના મામલા સહિત રાજયભરના પડકાર જનક મામલામાં તેઓ હાલના લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા વિગેરે જેવા કાર્યદક્ષ અધિકારીઓની મદદથી લાવેલ. સીટી ક્રાઇમમાં આજે પણ આશિષ ભાટીયાને અધિકારીઓ તથા સ્ટાફ આદર્શ માને છે. એટલે તેમના કામમાં સતત દોડે તે સ્વભાવિક છે.)

ફરીયાદી શૈલેષ ભટ્ટ પાસે બનાવટી પાસપોર્ટ હોવાની શકયતા નકારી શકાય નહિ. આ દિશામાં પણ સીઆઇડીએ વિચાર્યુ છે. તેઓએ જણાવેલ કે સીઆઇડીએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જે લુકઆઈટ નોટીસો જાહેર કરાવી છે તેમાં પ્રથમથી જ આરોપીઓના ફોટા છે જ માટે અલગથી ફોટાઓ મોકલવાની જરૂરીયાત નથી.

પુર્વ ધારાસભ્યના મામલે તેઓએ જણાવેલ કે અગાઉ જણાવ્યું તેમ તેમને ઝડપવા માટે સીઆઇડીની વિવિધ ટીમો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ટેકનીકલ સર્વેલન્સ, રાજય બહાર તપાસ વિગેરે તમામ પ્રયત્નો ચાલે છે. આમ છતાં આરોપીઓ સીઆઇડીના સમન્સને માન આપી હાજર નહિ થાય કે હાથમાં નહિ આવે તો તેઓની મિલ્કત જપ્તીની કાર્યવાહી કરવા માટે પણ  અદાલતને વિનંતી કરી મંજુરી મેળવીશું.

દરમિયાનમાંસુરતના ધવલ માવાણીનું અપહરણ કરી ૧૩પ કરોડના બીટ કોઇન્સ અને ૧૪.પ૦ કરોડ રોકડા પડાવી લેવાના આરોપસર જેની સામે આરોપ છે તેવા શૈલેષ ભટ્ટના ૪ સાથીદારો સુરત સીઆઇડી સમક્ષ હાજર થયાનું ચર્ચાઇ છે.જો કે સીઆઇડી આ મામલે વિધિસર કોઇ ફોડ પાડતું નથી. એક એવી પણ વાત ચાલે છે કે સીઆઇડી સમક્ષ હાજર થવા ગયેલા આરોપીઓને હાજર કરવામાં ન આવ્યા હતા. એક એવી વાત પણ છે કેએક આરોપીની અટક થઇ છે. આમ આ મામલે ખરેખર શું બન્યું છે તે અનુમાનનો વિષય છે.

ચોક્કસ આરોપીઓ દ્વારા લંડન, હોંગકોંગ વિગેરેમાં ફકત કાગળ પર જ ઓફીસ ખોલી અને સુરતથી જ બિટ કનેકટ મામલે મોટા ગોટાળા થયાની બાબતે સીઆઇડી સુત્રો એવો ફોડ પાડે છે કે હાલમાં સીઆઇડી દ્વારા બીટ કનેકટ મામલાની સતાવાર તપાસનો પ્રારંભ જ થયો નથી.

(1:04 pm IST)