Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ઝાયડસના પ્લાન્ટ ઓપરેટર સહિત ત્રિપુટી રેમડેસિવિરની ચોરી કરીને બ્લેકમાં વેચતી ઝડપાઈ: 5 દિવસના રિમાન્ડ

બાપુનગરની જય સતાધાર સોસાયટીમાં પટેલ પ્રિન્ટિંગ નામની દુકાનમાંથી ઇન્જેક્શનનો જથ્થો કબજે કરી કાર્યવાહી

અમદાવાદ :ચાંગોદર ઝાયડસના પ્લાન્ટ ઓપરેટરે સહિતની ત્રિપુટી રેમડેસિવિર ઇન્જેક્શનની ચોરી કરી બ્લેકમાં વેચતી ઝડપાઈ ગઈ હતી. આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. પોલીસે બાપુનગરની જય સતાધાર સોસાયટીમાં આવેલી પટેલ પ્રિન્ટિંગ નામની દુકાનમાંથી ઇન્જેક્શનનો જથ્થો કબજે કરી કાર્યવાહી કરી છે. આરોપીઓ દર્દીની ગરજ મુજબ ભાવ વસૂલી ઇન્જેક્શન વેંચતા હતા. એક દર્દી પાસેથી રૂ.૨૬ હજાર આરોપીઓએ વસૂલ્યા હતા. એસઓજીએ મિલન ગભરુભાઈ સવસવીયા (ઉં,૨૧) રહે, મુક્તિધામ એપાર્ટમેન્ટ, નિકોલ, દેવલ દિનેશ કસવાળા (ઉં,૨૩) રહે, પટેલ પાર્ક સોસાયટી, નિકોલ અને હાર્દિક ધનજી વસાણી (ઉં,૨૩) રહે, પટેલ પાર્ક સોસાયટી, નિકોલની ધરપકડ કરી હતી.

પોલીસે આ ત્રિપુટી પાસેથી ૨૪ રેમડેસિવિર કબજે લીધા હતા. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ આરોપી મિલન ચાંગોદર ઝાયડસ પાર્કમાંથી ઇન્જેક્શનની ચોરી કરતો હતો. તે રૂ.૩ હજારમાં ઇન્જેક્શન દેવલને આપતો હતો. દેવલ આ ઇન્જેક્શન હાર્દિકને રૂ.૫,૫૦૦માં આપતો હતો. હાર્દિક દર્દીની ગરજના આધારે ઇન્જેક્શન ઉપર નફે લગાવી પૈસા વસૂલતો હતો. હાર્દિક સહિતની ત્રિપુટીએ અત્યાર સુધીમાં ૮૦ થી ૧૦૦ ઇન્જેક્શન બ્લેકમાં વેચી માર્યા હતા. હાર્દિકે જેવી ગરજ એવા ભાવ વસુલતો હતો. હાર્દિકે એક દર્દી પાસેથી ઇન્જેક્શનના રૂ.૨૬ હજાર વસૂલ્યા હતા.

(8:19 pm IST)