Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અલ્પેશ ઠાકોરે વ્યથા ઠાલવી : કહ્યું -રાજ્યમાં ઑક્સિજન નથી, રેમડેસિવીર નથી. દર્દીઓને અનેક પ્રકારની હાલાકી

મુખ્યમંત્રીને અમે અપીલ કરીએ છીએ કે, સાહેબ સ્થિતિ એવી છે કે, જાયે તો જાયે કહાં? ક્યાં માગીએ અને કોની પાસે માગીએ?

અમદાવાદ : ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં પ્રવર્તી રહેલી ઑક્સિજનની તંગીને લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઑક્સિજન નથી. રેમડેસિવીર નથી. દર્દીઓ અનેક હાલાકી ભોગવી રહ્યા છે. અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થતિ દયાજનક છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, મુખ્યમંત્રીને અમે અપીલ કરીએ છીએ કે, સાહેબ સ્થિતિ એવી છે કે, જાયે તો જાયે કહાં? ક્યાં માગીએ અને કોની પાસે માગીએ? એવી બીમારી છે કે, લોકો ડરના કારણે મૃત્યુ પામી રહ્યા છે. સંવેદનશીલ રૂપાણી સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેલા વ્યક્તિઓના પણ જીવ બચાવવા જોઈએ.

સરકાર દરરોજ નિયમો બદલી રહી છે. સતત બદલતા નિયમોને કારણે પ્રજા પરેશાન થઈ ગઈ છે. જોકે, મહાનગરની પરિસ્થિતિ વણસતા હવે શાસક પક્ષના નેતાઓ પણ સરકારને અપીલ કરી રહ્યા છે કે, સરકારે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન કરી દેવું જોઈએ. રાજ્યમાં કોરોના વાયરસની સતત વકરતી સ્થિતિથી લઈને જાણે યમરાજા પૃથ્વીલોક પર આવ્યા હોય એવું ચિત્ર સામે આવ્યું છે. આ પહેલા વડોદરાના ધારાસભ્ય જીતુભાઈ સુખડિયા પણ લોકડાઉન અંગે વાત કહી ચૂક્યા છે

આવી સ્થિતિમાં અલ્પેશ ઠાકોરનું દર્દ સામે આવ્યું છે. એક ચેનલ સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ઑક્સિજનની અછત વર્તાય રહી છે. સરકાર ઑક્સિજનના જથ્થાની ફાળવણીમાં પક્ષપાત કરી રહી છે. દરરોજ રેમડેસિવીર માટે નિયમ તો બીજા દિવસે ઑક્સિજન માટે નિયમ આવી સ્થિતિને કારણે પ્રજા પરેશાન છે. સરકારના નિયમોથી ખાનગી હોસ્પિટલના તબીબો પણ સારવાર માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

 તેમણે મુખ્યમંત્રી સવાલ કર્યો હતો કે, આપને લોકડાઉન લાગુ કરતા કોણ રોકી રહ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સુરત અમદાવાદ પછી મહેસાણા જિલ્લાના કેસ સૌથી વધારે છે. છેલ્લા 24 કલાકમાં 500થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં રસીકરણને વેગ આપવામાં આવી રહ્યો છે. તેમ છતાં કોરોના કાબુમાં આવતો નથી. દિવસે દિવસે દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે.

(8:17 pm IST)