Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોના મહામારી સામે વલસાડ જીલ્લામાં ગ્રામ્ય કક્ષાની શાળાઓમાં શરૂ થયેલા સેન્ટરો દર્દીઓ અને તેના પરિવારજનો માટે લાભદાયક

વલસાડ: વલસાડ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. આથી પરિસ્થિતિને કાબૂમાં લેવા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરવાના આવી રહ્યા છે. જોકે તેમ છતાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલું સંક્રમણ તંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં સંક્રમણને કાબૂમાં રાખવા હવે નવી રણનીતિના ભાગરૂપે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે એક વિશેષ પહેલ કરી છે. જે મુજબ હવે વલસાડ જિલ્લાના કુલ 467 ગામોના સરપંચને વલસાડ જિલ્લા કલેક્ટરે પત્ર લખી અને સહયોગની અપીલ કરી હતી. ત્યારબાદ જિલ્લાના તમામ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં covid આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને જેનું સંચાલન " વિલેજ વોરિયર્સ કમિટી" દ્વારા કરવામાં આવશે.

આ વિલેજ વોરિયર્સ કમિટીમાં ગામના સરપંચ તલાટી ગ્રામ પંચાયતના સભ્યો ગામના જાગૃત સામાજિક અગ્રણીઓ, શિક્ષકો આશાવર્કર, આરોગ્ય વિભાગનો કર્મચારી અને ગામના યુવાનો હશે. આ તમામ લોકોના સહયોગથી જિલ્લાના તમામ ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં 15 થી વધુ બેડ ધરાવતું આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરની અપીલ બાદ યુદ્ધના ધોરણે વલસાડ જિલ્લામાં 400 થી વધુ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં આવા covid સેન્ટ્રર શરૂ થઈ ગયા હોવાનો કલેક્ટર દાવો કરી રહ્યા છે.

આ સેન્ટરોમાં ગામના તલાટી દ્વારા ગામમાં પ્રાથમિક લક્ષણો જણાઈ રહ્યા હોય તેવા વ્યક્તિઓની યાદી બનાવવામાં આવે છે. ત્યાર બાદ તંત્રને જાણ કરી અને આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર જઈ અને દર્દીઓની જરૂરી તબીબી તપાસ અને સારવાર પણ કરવામાં આવે છે. જિલ્લાના 400 થી વધુ ગામોમાં પ્રાથમિક શાળાઓમાં આવા  વોર્ડ તૈયાર થઈ ગયા છે અને જ્યાં જરૂર જણાય ત્યાં ઓક્સિજનની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે.

ગ્રામ્ય કક્ષાએ બનેલું આ સેન્ટર વિલેજ વોરિયર્સ કમિટીને સોંપવામાં આવ્યું છે. જેના પર જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ નજર રાખી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, અત્યારે કોરોનાના વધતા સંક્રમણને કારણે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે અને શહેરી વિસ્તારોમાં સરળતાથી દર્દીઓને હોસ્પિટલોમાં જગ્યા નથી મળી રહી, ત્યારે ગ્રામ્ય કક્ષાએ ગામડાઓના દર્દીઓને ઘર આંગણે જ પ્રાથમિક સુવિધા સહિત જરૂરી સારવાર મળી રહે માટે વલસાડ જિલ્લામાં ગામની શાળાઓમાં શરૂ થયેલા આ સેન્ટરો અનેક રીતે લોકોને ફાયદાકારક પુરવાર થશે તેવું મનાઇ રહ્યું છે. 

(4:28 pm IST)