Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કાલથી રાજકોટ સહિત રાજ્યના ૧૦ જીલ્લાઓમાં ૧૮થી ઉપરના લોકોને વેકસીન અપાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે બપોરે જાહેરાત કરી છે કે આવતીકાલથી રાજ્યના ૧૦ જીલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વિનામૂલ્યે વેકસીન આપવામાં આવશેઃ અત્રે એ નોંધનીય છે કે આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિન છે અને તે જ દિવસે રાજ્યમાં ૧૮ પ્લસનું વેકસીનેશન શરૂ થશેઃ ગુજરાતને આજે ૩ લાખ વેકસીનનો ડોઝ પ્રાપ્ત થયો છે અને વધુ ૧૧ લાખ વેકસીન ટૂંક સમયમાં પ્રાપ્ત થશેઃ રાજ્ય સરકારે કુલ અઢી કરોડ ડોઝનો ઓર્ડર આપેલો છે. રાજયના જે ૧૦ જિલ્લામાં સૌથી વધુ કોરોના ફેલાયો છે ત્યાં સૌ પહેલા વેકસીન આપવામાં આવશે. જે દસ જિલ્લામાં વેકિસનેશન શરૂ થવાનું છે. તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ગાંધીનગર અને ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં આવતીકાલે સવારે ૯ વાગ્યાથી રસીકરણનો કાર્યક્રમ શરૂ થશે. સીએમ સ્પષ્ટતા કરી હતી કે, ચોથા તબકકાના વેકિસનેશનમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજીયાત છે. જે લોકોને રજિસ્ટ્રેશનનો મેસેજ આવેલો છે તેમને જ વેકિસન લેવાનું રહેશે. જે લોકોને મેસેજ આવ્યો છે તે લોકો જ વેકિસન લઇ શકશે સ્થળ પર રજિસ્ટ્રેશન વિના કોઇ વ્યકિતને રસી નહી મળે.

ગુજરાતના દરેક નાગરિકને વેકસીન મળવાની જ છે તેવી ખાતરી આપતા સીએમ રૂપાણીએ કહયુ કે, દરેક વ્યકિતનો જેમ જેમ વારો આવે તેમ તેમ વેકિસન આપવામાં આવશે. કોઇ ઉતાવળ ના કરે, અવ્યવસ્થા ઉભી ના કરે, અને ખોટી ચિંતા પણ નાકરે તેવી પણ સીએમે અપીલ કરી હતી.

(4:17 pm IST)