Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કાળાબજાર રેમડેસિવિયર, ફલોમીટર અને ઓકિસમીટરનું ૧૦ ગણા ભાવે વેચાણ

લોકોની મજબૂરીનો લાભ લઈ તગડો નફો રળી લેવા માટે કેટલાક કાળા બજારીયા મેદાનમાં: કોરોનાની સારવારમાં વપરાતી ફેબિફ્લૂ દવાની પણ તંગી : કાળાબજારમાં રેમડેસિવિયર ઈન્જેકશનના ૩૦૦૦૦, ૩૦૦માં મળતા ઓકિસમીટર ૧૮૦૦માં વેચાય છેઃ ઓકિસજન ફલોમીટરના ૬૦૦ના સીધા પાંચ હજાર

અમદાવાદ, તા.૩૦: કોરોનાની બીજી લહેરમાં લોકો હોસ્પિટલની બહાર બેડ, રેમેડસિવિયર ઈન્જેકશન અને ઓકિસજન તેમજ ૧૦૮ માટે ભટકતાં જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોની મજબૂરીનો લાભ લઈ તગડો નફો કરવા માટે કેટલાક કાળા બજારીયા મેદાનમાં આવી ગયા છે અને ૧૦ ગણા ભાવે જરૂરી વસ્તુઓને ૧૦ ગણા ભાવે બ્લેકમાં વેચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલ કોરોનાનું સંક્રમણ ઝડપી બનતા શહેરમાં રેમડેસિવિયર ઈન્જેકશન, ઓકિસજનના બાટલા પર લાગતા ફ્લોમીટર અને ઓકિસમીટરની તંગીના પગલે ભાવ આસમાને પહોંચી ગયા છે.

કાળા બજારીયા રોજરોજ રેમડેસિવિયર ઈન્જેકશનના ભાવ ઉપર લઈ જઈ રહ્યા છે. શરૂઆતમાં ૧૨૦૦૦ સુધીમાં વેચાતા આ ઈન્જેકશન બુધવારે ૨૩૫૦૦ અને ગુરૂવારે ૩૦૦૦૦ ગુજરાતમાં કાળા બજારમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત હાલ હોસ્પિટલમાં ઓકિસજનની તીવ્ર તંગી વર્તાઈ રહી છે. જેથી લોકો દ્યરે જ ઓકિસજનની સુવિધા ઉભી કરી રહ્યા છે. જેમાં ઓકિસજનના બાટલાની ઉપર લગાવતા ફ્લોમીટરની પણ બજારમાં તંગી વર્તાઈ છે. જેને કારણે ૬૦૦ અને ૮૦૦માં મળતા ફ્લોમીટર હાલ ૫૦૦૦ના ભાવે વેચાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે, હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીનું ઓકિસજન ચેક કરવા માટે ઓકિસમીટરની જરૂર હોય છે. ત્યારે કાળાબજારમાં મળતા ઓકિસમીટરનું પણ માર્કેટ હાલ તેજીમાં જોવા મળી રહ્યું છે. બજારમાં ઓકિસીમીટરનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે કેટલાક વેપારીઓ સગા પાસેથી ૩૦૦ના સીધા ૧૮૦૦ રૂપિયા વસૂલી રહ્યા છે. ગ્રાહકો ઉંચી કિંમત પણ આપવા તૈયાર હોવા છતાંય ઓકિસમીટર ન મળતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કાળા બજારીઓને વિનંતી છે કે, જિંદગીનો વેપાર ના કરો અને મહામારીને અવસર ન બનાવો.

મીડિયા રિપોર્ટ મુજબ કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતા રેમેડસિવિયર ઈન્જેકશનની શહેરમાં ભારે તંગી વર્તાઈ રહી છે. આટલું ઓછું હોય તેમ હવે સારવારમાં વપરાતી ફેબિફ્લૂ દવાની પણ તીવ્ર અછત સર્જાઈ છે. લોકો પેનિકમાં આવીને દવાનો સ્ટોક કરી રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જેને લઈને સૂત્રોએ આગામી સમયમાં ફેબિફ્લૂ દવાની પણ કાળાબજારી થાય તેવી શકયતા વ્યકત કરી છે.

(4:17 pm IST)