Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અમેરિકાના ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાતને કોરોનાથી બચાવવા જરૂરી તમામ સંશાધનો - આર્થિક સહયોગની પહેલને આવકારતાં વિજયભાઇ રૂપાણી

અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને ઓકિસજન, કોરોના વેકિસન, દવાઓ આર્થિક સહિતની તમામ મદદ કરાશેઃ વિદેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમજ વિવિધ કસ્ટમ કિલયરન્સ માટે ગુજરાતમાં બે નોડલ ઓફિસરોની નિમણૂક કરતાં મુખ્યમંત્રી : ગુજરાતે કોરોના સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્ત્।મ વ્યવસ્થાઓ ઉભી કરી છેઃ એક સપ્તાહમાં તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓકિસજન પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ તે માટે નવા નવા ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છેઃ સંક્રમણ અટકાવવા રાજયના વધુ ૨૯ શહેરોમાં કોરોના કરફયુનો અમલઃ વધુમાં વધુ વેકિસનેશન, કોરોના ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર મહત્ત્।મ ભાર-દૈનિક પોણા બે લાખ ટેસ્ટિંગઃ મારૂ ગામ કોરોના મુકત બને તે દિશામાં સંયુકત પ્રયાસોઃ વિજયભાઇ રૂપાણી : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના અગ્રણીઓ, તબીબો, સીનિયર એસોસિએશનના સભ્યો સાથે કોવિડ સંદર્ભે ઇ-બેઠક- સંવાદ યોજાયો

રાજકોટ, તા., ૩૦:  મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના અગ્રણીઓ, નિષ્ણાત તબીબો, સીનિયર એસોસિએશનના સભ્યો સાથે ગુજરાતમાં કોવિડ સંદર્ભે ગાંધીનગર ખાતેથી આજે ઇ-બેઠક અને સંવાદ યોજાયો હતો.

જેમાં અમેરિકાના ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાત-ગુજરાતીઓને કોરોના મહામારીથી બચાવવા જરૂરી તમામ સંશાધનો અને CM રીલિફ ફંડમાં આર્થિક સહયોગ કરવાની પહેલને મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આવકારીને પોતાના વતનનું ઋણ અદા કરવાની તૈયારી બદલ ગુજરાતીઓ વતી સૌ અમેરિકન ગુજરાતીઓનો આભાર પણ વ્યકત કર્યો હતો.

અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને વિવિધ મદદ માટે કરાયેલા સૂચનના યોગ્ય સંકલન માટે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વિદેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમજ અમેરિકાથી ગુજરાતમાં વેકિસન, ઓકિસજન સહિત જરૂરી તમામ બાબતના ઝડપી કસ્ટમ કિલયરન્સ માટે બે ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે તાત્કાલિક નિમણૂક પણ કરી હતી. 

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારી સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્ત્।મ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં સંભવત તમામ  સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓકિસજન પ્રાપ્ત થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા નવા નવા ઓકિસજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સંક્રમણ અટકાવવા મોટા શહેરોની સાથે સાથે વધુ ૨૯ શહેરોમાં કોરોના કરફયુ, SMS  નું કડક પાલન, રાજયમાં વધુમાં વધુ વેકિસનેશન થાય તે માટે વિશેષ અભિયાન તેમજ કોરોના ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર મહત્ત્।મ ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે દૈનિક પોણા બે લાખ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજની સ્થિતિએ ગુજરાતમાં હજારો લોકો સરકારી સિવિલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોના સંક્રમિત ગંભીર વ્યકિતને હવે કોઇપણ વાહનમાં સારવાર માટે આવે તો તેને હોસ્પિટલ પ્રવેશ આપવામાં આવી છે. આપણે સૌ સાથે મળીને કોરોના સંક્રમણ અને મૃત્યુદર ઘટાડવા સક્ષમ છીએ. ગુજરાતના લાખો તબીબો, મેડિકલ સ્ટાફ અને સરકારી કર્મચારીઓ રાત-દિવસ એક કરીને કોરોના સામે લડી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને તબીબી નિષ્ણાતોની મદદ- માર્ગદર્શનથી ગુજરાત સરકાર કોરોનાને હરાવવા સાચી દિશામાં આગળ વધી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.

અમેરિકામાંથી કોરોનાની વેકિસન સીધી ગુજરાતમાં ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ નોર્થ અમેરિકા સ્થિતિ ગુજરાતીઓને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, ગુજરાતમાં હજારો સંજીવની રથ અને ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘરે બેઠા જ કોરોનાની પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે જેના કારણે હોસ્પિટલ ઉપરનું ભારણ ઘટી રહ્યું છે. મારૂ ગામ કોરોના મુકત ગામ  બને તે દિશામાં પણ આપણે ગામ લોકોના સહયોગથી આગળ વધી રહ્યા છીએ. આવા અનેકવિધ સંકલ્પોથી આપણે કોરોના મહામારીને હરાવવા એકબીજાના સહયોગથી આગળ વધીશું ત્યારે આપણે ચોક્કસ આ સંકટમાંથી પણ જલદી બહાર આવીશું તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી વ્યકત કર્યો હતો.

કેલિફોર્નિયા સ્થિતિ GONA ના ઉપક્રમે યોજાયેલી આ ઇ-બેઠકમાં ઉપસ્થિતિ તમામ અમેરિકન ગુજરાતીઓએ ગુજરાતને ઓકિસજનની અછત દૂર કરવા, ઓકિસજન કોન્સન્ટ્રેટર, જરૂરી સંશાધનો, રેમડેસિવિર ઇન્જેકશન, ફાઇઝર વેકિસન સીધી ગુજરાતને ઉપલબ્ધ કરાવવી તેમજ CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ સહિતની જરૂરી તમામ મદદ કરીને આ કપરા સમયમાં માદરે વતનનું ઋણ અદા કરવાની તૈયાર દર્શાવી હતી.

આ ઇ-બેઠકમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GONAના પ્રમુખશ્રી પ્રમોદ મિસ્ત્રી, TV એશિયાના ન્યૂજર્સીના ચેરમેન-CEO પદ્મશ્રી ડો. એચ. આર. શાહ, ઇન્ડિયા એસોસિએશન ઓફ લોસ એન્જલસના ઉપપ્રમુખશ્રી કનકસિંહ ઝાલા, GONAના ઉપપ્રમુખશ્રી અમિત પાઠક, ન્યૂયોર્ક સ્થિત અમનિલ ફાર્માસ્યુટિકલ્સના CO-CEO શ્રી ચિન્ટુ પટેલ, ચિકાગો સ્થિત ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ સેન્ટરના ડો. ભરત બરાઈ, ભારતીય વિદ્યાભવન USA ના ચેરમેન ડો. નવિન મહેતા, પેન્નસીલવાનીયાના ન્યૂરોલોજિસ્ટ ડો. વિઠ્ઠલ ધડુક, લોસ એન્જલસ સ્થિત સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઇ શાહ, શ્રી સુનિલ અગ્રવાલ તેમજ જન્મભૂમિ ગૃપના માનદ સંવાદદાતા શ્રી રાજેન્દ્ર વોરા સહિત વિવિધ પેનલિસ્ટે કોરોના મહામારીમાં સહયોગ માટે સંવાદ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વીની કુમારે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારે કોરોના મહામારી અટકાવવા સંદર્ભે કરેલી કામગીરીનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરીને સૌને માહિતગાર કર્યા હતા.

(3:12 pm IST)