Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

૩૮ લોકોના જીવ બચાવવા માટે ૨૦ કિમીનો હેવી ટ્રાફિક ચિરી ગ્રીન કોરિડોર દ્વારા ઓકિસજન પહોંચાડયો

મુળ મોરબી પંથકના વતની એવા ડીવાયએસપી કે.ટી. કામરિયાએ કોઠાસુઝ દાખવી, પીઆઈ વી.ડી. મંડોરા ટીમે અમદાવાદ હોસ્પિટલ સુધી ઓકિસજન પહોંચાડી માનવતા મહેકાવી

રાજકોટ તા.૩૦: રાજયભરમાં ઠેર ઠેર સંખ્યાબંધ દર્દીઓના જીવ ઓકિસજન વાંકે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, આવા સંજોગોમાં તંત્રની પણ કસોટી થઈ રહી છે, આભ ફાટયા જેવી પરિસ્થિતિ છે,આવા સમયે લોકોને ખરેખર જરૂર છે ત્યારે કેટલાક નીંભર  બન્યા છે તો બીજી બાજુ માનવતા પણ છલકી રહી છે, મૂળ મોરબી પંથકનાં વતની એવા ડીવાયએસપી કે.ટી.કામરિયા ટીમને વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં ઓકસીજન ખૂટે તો ૩૮ લોકોના જીવ પર જોખમ હોવાની જાણ થતાં તાકીદે કરેલ કાર્યવાહી પ્રરણાદાયક છે,તો ચાલો સમગ્ર બાબતે જાણકારી મેળવીએ.

કોરોના મહામારી ધ્યાને લઈ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ૫૦ બેડની કોવીડ હોસ્પિટલ શરૂ કરી છે,જેમાં ઘણા દર્દીઓ ઓકિસજનની જરૂરિયાતવાળા છે,દરમ્યાન ગુરૂવારે ઓકિસજન ખૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ટુંકમાં કહીએ તો સમયસર ઓકિસજન ન પહોંચી શકે તો ૩૮ દર્દીઓના જીવ પર જોખમ હતું.                                             

ઉકત બાબતે સાણંદના ડીવાયએસપી કે.ટી.કામારિયા તથા પીઆઇ વી. ડી.મંડોરાને જાણ થતાં જ ઉકત બન્ને અધિકારીઓ દ્વારા આ બાબતને ખૂબ ગંભીર ગણી ૨૦ મિનિટનું ભારે ભીડ ભાડ વાળો ટ્રાફિક કાપી સમયસર ઓકિસજન પહોંચાડવા ગ્રીન કોરીડોર રચ્યો, અને માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં ઓકિસજન હોસ્પિટલ સુધી પોહચાડી દીધો,આવી માનવતા લક્ષી કામગીરીની સર્વત્ર નોંધ લેવાઈ રહી છે.                                       

અત્રે યાદ રહે કે અમદાવાદ રેન્જ વડા વી. ચંદ્રશેખર તથા એસપી વીરેન્દ્ર યાદવના માર્ગદર્શન હેઠળ ઉકત ટીમ લોકડાઉનના કડક અમલ માટે લોક ડાઉન ભંગ બદલ કડક કાર્યવાહી સાથે-સાથે માનવતા પણ મહેકાવાઇ રહી છે.

(12:00 pm IST)