Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સાથી હાથ બઢાના... ઉદ્યોગો - સ્વૈચ્છિક સંગઠનો વગેરે આગળ આવ્યા

ગુડ ન્યુઝ... હવે દર્દીઓને ભટકવું નહિ પડે : થોડા દિવસમાં જ રાજ્યમાં ૫૦૦૦ કોવિડ બેડ તૈયાર થશે

રાજ્ય સરકાર પણ ખડેપગે : તમામ પ્રકારની સુવિધા આપી રહી છે

અમદાવાદ/રાજકોટ/સુરત તા. ૩૦ : હાંફી રહેલા કોવિડ-૧૯ના દર્દીઓના પરિવારજનોની સરકારી હોસ્પિટલો બહાર લાગતી લાઈનો અને ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસ ૧૦૮ને હાંફળાફાંફળા થઈને કરાતાં ફોન રાજયમાં ઓકિસજન બેડ મેળવવા માટે કરાતા સંઘર્ષની સાક્ષી પૂરે છે. પોતાના સ્વજનોને બચાવવા માટે કરાતા મરણિયા પ્રયાસની તસવીરો લોકોના માનસપટ પર કાયમ અંકિત રહેશે.

અગાઉ કયારેય આરોગ્ય ક્ષેત્રે આવી કટોકટી જોવા મળી નથી ત્યારે ટોચના ઔદ્યોગિક એકમો, સ્વયંસેવી સંસ્થાઓ અને સરકાર પોતે પણ એકશનમાં આવી છે. આ વિવિધ એજન્સીઓએ આગામી અઠવાડિયાઓમાં ઓકિસજનવાળા ૫,૦૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવાનું આયોજન કર્યું છે.

મંગળવારે આર્સેલર મિત્તલ ગ્રુપે સુરતમાં હજીરા પ્લાન્ટ નજીક ૨૫૦ બેડની હોસ્પિટલ શરૂ કરી છે. જે ટૂંક સમયમાં જ વિસ્તારીને ૧૦૦૦ બેડની કરાશે, તેમ રાજય સરકારના અધિકારીઓએ કહ્યું. આ જ પ્રમાણે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ રવિવાર સુધીમાં ૪૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી દેશે જે બાદમાં વધીને ૧૦૦૦ બેડની થશે, તેમ અધિકારીએ ઉમેર્યું. મળેલી વિશ્વસનીય માહિતી મુજબ, અદાણી ગ્રુપ પણ ૧,૦૦૦ ઓકિસજન બેડવાળી હોસ્પિટલ કામચલાઉ ધોરણે શરૂ કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે.

DRDO દ્વારા શરૂ કરાયેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ હજી સંપૂર્ણપણે કાર્યરત નથી થઈ. આ હોસ્પિટલમાં ૯૫૦ બેડ શરૂ કરવાની યોજના છે અને બાદમાં જરૂર પડી તો ૫૦૦ બેડ ઉમેરવામાં આવશે. આ હોસ્પિટલમાં સોમવારથી દર્દીઓને દાખલ કરવાના શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત DRDO દ્વારા ૧૨૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શરૂ કરવાની તૈયારી થઈ રહી છે.

એવું નથી કે આ મુશ્કેલના સમયમાં મોટા કોર્પોરેટ હાઉસ જ મદદ કરી રહ્યા છે, નાની સંસ્થાઓ, વેપારી મંડળીઓ અને NGO પણ યોગદાન આપી રહ્યા છે. અમદાવાદના ડી.કે. પટેલ હોલમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દેવસ્ય હોસ્પિટલ અને AMCના સહયોગથી ૧૫૦ ઓકિસજન બેડવાળી હોસ્પિટલ શરૂ કરી છે.

સુરતમાં ૨૬ કમ્યુનિટી સેન્ટરોમાં ૫૦૦ જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ૨૫૫ વધુ ઉમેરાશે. ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં વિલાયત GIDC અસોસિએશન દ્વારા ૯૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે.

ગુરુવારે મોરબીમાં સિમ્પોલો વેટ્રિફાઈડ પ્રાઈવેટ લિમિટેડની CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) સંસ્થા સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ૬૫ ઓકિસજન બેડવાળું કોવિડ રિકવરી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

કચ્છના આદિપુર શહેરમાં એક સ્થાનિક ટ્રસ્ટે પોતાની જમીન ૩૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે આપી છે. આ હોસ્પિટલ માટે બે શિપિંગ બિઝનેસમેન આશિષ જોષી અને પંકજ ઠક્કરે ફંડ આપ્યું છે. હાલ અહીં ૯૦ ઓકિસજન અને ૧૫૦ આઈસોલેશન બેડ છે. 'અમે ટૂંક સમયમાં જ બીજા ૫૦ બેડ ઉમેરીશું. આ સુવિધા છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ૧૧૦ કોવિડ પેશન્ટની રિકવરીનું સાક્ષી છે,' તેમ આશિષ જોષીએ કહ્યું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં કોવિડ-૧૯ બેડની ક્ષમતા ૧૫ માર્ચે ૪૧,૦૦૦ હતી જે વધારીને ૭૮,૦૦૦ કરવામાં આવી છે. ૧૦ દિવસમાં રાજયમાં ૮,૦૦૦ ઓકિસજન બેડ યુદ્ઘના ધોરણે તૈયાર કરવામાં આવશે. રાજયમાં ક્ષમતા તો વધારવામાં આવી છે પરંતુ નક્કી કરેલા ધોરણ સુધી હજી પહોંચી શકયું નથી.

'આ પહેલીવાર છે જયારે સમાજનો દરેક વર્ગ સહિયારો પ્રયાસ કરીને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવામાં યુદ્ઘના ધોરણે મદદ કરી રહ્યો છે. લોકોના સહયોગથી આપણે આ યુદ્ઘ લડી શકીશું અને વિજેતા તરીકે બહાર આવીશું,' તેમ એક સિનિયર અધિકારીએ કહ્યું.

(12:07 pm IST)