Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બપોરના સુમારે હેન્ડ સેનિટાઇઝરમાં કાળાબજારી કરતા પિતા-પુત્રને ઝડપી પાડ્યા

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે બપોરના સુમારે કોરોના વાયરસની મહામારીને રોકવામાં ખૂબ જ ઉપયોગી એવા હેન્ડ સેનેટાઈઝરના કાળા બજાર કરતાં પિતા-પુત્રને ઝડપી પાડીને કુલ ૪.૧૬ લાખ ઉપરાંતની ૪૨૦૦ નાની-મોટી બોટલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જુદા-જુદા જાહેરનામાનો અમલ કરાવવા પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, મેફેર રોડ ઉપર આવેલા જુના સી. કે. હોલની સામે આવેલ ન્યુ ગાયત્રી એન્ટરપ્રાઈઝ નામના હોલસેલ મેડિકલ સ્ટોરમાં હેન્ડ સેનિટાઈઝરનો મોટાપાયે જથ્થો રાખીને બમણી કિંમતે વેચી રહ્યા છે જેના આધારે પોલીસે છાપો મારતાં ૧૪ ખાખી પુંઠાના બોક્સ મળી આવ્યા હતા જેમાં તપાસ કરતાં ટોપ મોસ્ટ કંપનીની નાની-મોટી ૧૦૦ અને ૫૦ એમએલની થઈને કુલ ૪૨૦૦ મળી આવી હતી જેની કિંમત ૪,૧૬,૬૪૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે દુકાનના માલિક પંકજભાઈ વિનોદચન્દ્ર ઠક્કર અને મીહિરભાઈ પંકજભાઈ ઠક્કરની અટકાયત કરીને બિલ, આધાર પુરાવા તેમજ સ્ટોક પત્રકની માંગણી કરતાં તેઓ રજુ કરી શક્યા નહોતા. જેથી તમામ મુદ્દામાલ જપ્ત કરીને જીલ્લા પુરવઠા અધિકારીને જાણ કરતાં તેઓ પણ આવી ચડ્યા હતા અને આવશ્યક ચીજવસ્તુ ધારાની જુદી-જુદી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

(5:46 pm IST)