Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ ભરતીમાં ઉમેદવાર ઉમટ્યા

ભરતીપ્રક્રિયામાં સોશ્યલ ડિસ્ટન્સીંગના લીરા ઉડયા : અમદાવાદમાં કોરોનાની વાત વણસી રહી છે ત્યારે છેલ્લી ઘડીયે ભરતી કરીને ડોળ કરવા માટે તંત્રના પ્રયાસઃ દોશી

અમદાવાદ,તા. ૩૦ :  અમદાવાદ શહેરમાં કોરોનાના કહેરને લઇ સર્જાયેલી હાલની મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્બન હેલ્થ સોસાયટી દ્વારા ૩૫૪ મેડિકલ અને ૩૫૪ પેરા મેડિકલની કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે, આજે જમાલપુર ખાતેની કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુ દરમ્યાનસોશ્યલ ડિસ્ટન્સીંગના લીરેલીરા ઉડ્યા હતા. ઈન્ટરવ્યુ આપવા આવેલા ઉમેદવારોએ ઝેરોક્ષની દુકાન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી બહાર જ મોટી ભીડ જામી હતી. મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં આજે ઉમેદવારોએ રીતસરની પડાપડી કરી હતી. આ ભરતી પ્રક્રિયાને લઇ પહેલેથી મોટી સંખ્યામાં લોકો આવવાની જાણ હોવા છતાં ધાબા પર કે કેમ્પસમાં મંડપ જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેને પગલે ઉમેદવારો તડકામાં ઉભા રહ્યાં હતા. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શહેરની તમામ દુકાનો પર એક મીટરનું અંતર રાખવા સૂચના આપે છે. પરંતુ આરોગ્ય ભવનમાં આ સૂચનાનો અમલ થઈ રહ્યો નથી.

           જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ માત્ર ટ્વીટર પર સુચના આપવામાં સક્રિય હોવાની ચર્ચા ચાલી રહી છે.  મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસર માટે કરાર આધારીત ભરતીના આજે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં હતા, જેમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઉમટી પડ્યા હતા. કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ ઓફિસર બનવા આવેલા આ યુવકો અને યુવતીઓ ઝેરોક્ષની દુકાનમાં ટોળે વળ્યા હતા અને છડેચોક કોરોના બચાવની ગાઇડલાઇન્સનો ભંગ કરી રહ્યા હતા. આમ, મહાનગર પાલિકાન સુચનાનો આરોગ્યભવનમાં જ ભંગ થઈ રહ્યો હતો અને મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરીની બહાર મોટી ભીડ લાગી હતી.  

                 આ મામલે પોલીસ સક્રિય બની હતી અને કડક વલણ અપનાવ્યું હતું. તેમણે ભરતી માટે એકઠા થયેલા લોકો પાસે એક મીટરનું અંતર રાખીને લાઇન કરાવી હતી અને ઝેરોક્ષની દુકાનમાં પણ લાઇન કરવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાનો આતંક હવે ત્રીજા તબક્કામાં સતત વધવાનો છે એવી ચેતવણીના પગલે અમ્યુકો હવે રાતોરાત મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસરની ભરતી કરી રહ્યું છે, જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા કે, કોરોનાની ગંભીરતા સમજી તંત્રએ અગમચેતીના પગલારૂપે આ ભરતી પહેલા જ કરવાની હતી પરંતુ હવે વાત વણસી રહી છે ત્યારે છેલ્લી ઘડીયે ભરતી કરી ડોળ કરવાનો તંત્ર પ્રયાસ કરી રહ્યું છે, જે દંભી શાસનની છબી રજૂ કરે છે.

              ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસના કેસો રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહ્યા છે. એસવીપી હોસ્પિટલમાં અને સિવિલમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જૂની વીએસ હોસ્પિટલમાં પણ નવા આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી કરવામાં આવી છે. આ સંજોગોમાં વધારે મેડિકલ સ્ટાફની જરૂર પડશે અને એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૩૫૪ મેડિકલ ઓફિસર અને ૩૫૪ પેરામેડિકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી અને માત્ર ઇન્ટરવ્યૂ પર ૧૧ માસના કરાર આધારિત જગ્યા ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે અને આજે સવારે ૧૦.૩૦ વાગ્યાથી આસ્ટોડિયા ગીતામંદિર રોડ પર આરોગ્ય ભવન ખાતે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે ઉમેદવારોની પડાપડીના દ્રશ્યો સામે આવ્યા હતા.

(9:41 pm IST)