Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જુનિયર વકીલો માટે ગુજરાત બાર કાઉ. દ્વારા રૂ. ૧૦ લાખનું ફંડ ભેગું કરાયું

કોરોના વાયરસથી વકીલોની આજીવિકા ઉપર અસર?

સુરત તા. ૩૦: બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત ભરમાં વકીલાતની પ્રેકટીસ કરતા જુનિયર વકીલો માટે એક ફંડ ભેગું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઇને લાંબા સમય સુધી કોર્ટ બંધ રહે તેવી શકયતા છે ત્યારે જરૂરીયાતમંદ જુનિયર વકીલોને નાણાકીય સહાય થાય તે માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા હાલમાં ૧૦ લાખનું ફંડ ભેગું કરાયું છે આ સાથે જ ગુજરાતના તમામ મોટા અને સિનિયર ધારાશાસ્ત્રીઓને મદદ કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા ગુજરાત બાર કાઉન્સીલના વાઇસ ચેરમેન અને સુરતના ધારાશાસ્ત્રી જીતેન્દ્ર ગોળવાલાએ જણાવ્યું હતું કે, જે વકીલો ગુજરાત બાર કાઉન્સીલમાં હોદ્દેદાર છે અને જે વકીલો સભ્ય છે તેઓએ પોતાના તરફથી બનતી મદદ કરીને એક ફંડ ભેગું કર્યું છે. ગુજરાત બાર કાઉન્સીલના જે. જે. પટેલએ ૧ લાખનું ફંડ, વાઇસ ચેરમેન સી. કે. પટેલેએ ૭પ હજાર જીતેન્દ્ર ગોળવાળાએ રૂ. પ૦ હજાર તેમજ એકઝીકયુટીવ કમિટિના ચેરમેન રમેશચંદ્ર પટેલએ રૂ. પ૦ હજારનું ફંડ આપ્યું હતું. આ સાથે જ તેઓએ અન્ય વકીલોને પણ મદદ કરવા માટે આહવાન કયું છે. જેને લઇને જરૂરીયાતમંદ જુનિયર ધારાશાસ્ત્રીઓને બનતી આર્થિક મદદ કરી શકાય.

ગુજરાત રાજયના તમામ જિલ્લા અને તાલુકા બાર એસોસીએશનના જરૂરીયાત મંદ વકીલોને રૂ. પ હજાર સુધીની આર્થિક સહાય આપવાનો તેમજ જિલ્લા સ્તરના બાર એસોશીએશનનોને રૂ. ૧ લાખ સુધી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ બાર કાઉ.ના પુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલે પણ જણાવ્યું હતું.

(4:00 pm IST)