Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

નવા શૈક્ષણિક સત્રથી ધો. ર થી ૧રના ૮૦ પાઠયપુસ્તકોમાં ફેરફારની વિચારણા

ધો. ૧૦ અને ધો. ૧રમાં નવી સ્વાધ્યાયપોથી સાથે શિક્ષણ કાર્ય થશે

અમદાવાદ, તા. ૩૦ : આગામી નવા શૈક્ષણિક વર્ષમાં ધોરણ-ર થી ધોરણ-૧ર સુધીના ૮૦ પુસ્તકોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે હવે વિદ્યાર્થીઓએ નવા પુસ્તકો સાથે અભ્યાસ કરવો પડશે, જોકે શિક્ષણ વિભાગ દ્વારા નવા પુસ્તકો તૈયાર કરવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.

આ વર્ષે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં મહત્વના વિષયોની સ્વાધ્યાયપોથીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રાથમિકમાં પર્યાવરણ અને ગુજરાતી સહિતના પુસ્તકો બદલાયા છે. ધોરણ-૧૧ અને ૧ર સાયન્સમાં નવા પુસ્તકોનો અમલ વર્ષ ર૦૧૮-૧૯થી કરાયો છે, જયારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં હવે ફરફાર કરાયો છે. કુલ ૮૦ પાઠયપુસ્તકોમાં ફેરફાર કરાયો છે. પ્રાથમિક વિભાગમાં ધોરણ-ર, ૩, ૪, પ, ૬ અને ૭માં પુસ્તકો બદલાયા છે, જેમાં ગુજરાતી, પર્યાવરણ સહિત સંગીત, યોગ સ્વાસ્થ્ય અને ચિત્રના પુસ્તકો ઉપરાંત વાચનમાળાના સીંધી અને મરાઠી પુસ્તકો પણ બદલાયા છે. ધોરણ-૧૦ અને ૧રના વિદ્યાર્થીઓએ નવી સ્વાધ્યાયપોથી સાથે અભ્યાસ કરવાનો રહશે. ધોરણ-૧૦માં ઉચ્ચતર બુનિયાદી પ્રવાહના ત્રણ પુસ્તકો બદલાય છે, જયારે ૧ર સામાન્ય પ્રવાહમાં મોટા ભાગના પુસ્તકોની સ્વાધ્યાયપોથી બદલાઇ છે. ધોરણ-૯ અને ૧૦માં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે. ધોરણ-૬ થી ૮માં સામાન્ય વિજ્ઞાનના પુસ્તકોમાં ફેરફાર કરાયો છે.

(3:58 pm IST)