Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સમગ્ર ગુજરાતના NSS વોલન્ટીયર્સ અને પ્રોગ્રામ ઓફિસર્સની યાદી મંગાવતું તંત્ર

કોરોના સંદર્ભેની આગમચેતીના ભાગરૂપે : તમામ યુનિવર્સિટીઓના NSS કો-ઓર્ડીનેટર્સ, પ્રોગ્રામ ઓફિસર્સ તથા વોલન્ટીયર્સ રાષ્ટ્રસેવાની ઉત્કૃષ્ટ તકને ઝડપવા તલપાપડ : કુદરતી આફતો સમયે NSS (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ હંમેશા મદદરૂપ થતો આવ્યો છે.

રાજકોટ તા. ૩૦ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના દિવસે દિવસે વેગ પકડી રહ્યો છે અને રોજેરોજ નવા-નવા જિલ્લાઓ-વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા જાય છે ત્યારે આવનારી કોઇપણ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા અને લોકો-સમાજને ત્વરીત મદદરૂપ થઇ શકાય તે હેતુથી આગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ગુજરાત ખાતેની સેંકડો કોલેજોના હજ્જારો NSS (રાષ્ટ્રીય સેવા યોજના) (નેશનલ સર્વિસ સ્કીમ) વોલન્ટીયર્સ અને કોલેજો ખાતેના પ્રોગ્રામ ઓફિસર્સની યાદી મંગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસના નેજા હેઠળ સમગ્ર દેશમાં લાખો સ્વયંસેવકો ધરાવતા NSS સેલના ગુજરાતના રીજીયોનલ ડાયરેકટર શ્રી ગીરીધર ઉપાધ્યાય તથા ગુજરાતના ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગર ખાતેના સ્ટેટ એન.એસ.એસ. ઓફીસરશ્રી આર. જે.માછી દ્વારા ગુજરાતની તમામ યુનિવર્સિટીઓનાએન.એસ.એસ. કો-ઓર્ડીનેટર્સ  તથા યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ખાતેના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર્સને યુનિટ પ્રમાણે મોબાઇલ નંબર સહિત સ્વયંસેવકોની યાદી તાત્કાલિક મોકલી આપવા સૂચના આપવામાં આવી છે.

સૂચના મળતા જ ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીના એન.એસ. એસ. કોઓર્ડીનેટર્સ અને સંલગ્ન કોલેજોના પ્રોગ્રામ ઓફીસર્સ દ્વારા પોતાની તથા સ્વયંસેવકોની સંપૂર્ણ માહિતી ગુજરાત સ્ટેટ એન. એસ. એસ. સેલ, ગાંધીનગર તથા NSS  રીજીયોનલ ઓફીસ અમદાવાદ ખાતે મોકલી આપી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત શિસ્ત, શિક્ષણ અને સમર્પણની સાથે-સાથે રાષ્ટ્રસેવા કરવાનો અમૂલ્ય મોકો મળ્યો હોવાનું એન.એસ.એસ.કો-ઓર્ડીનેટર્સ, પ્રોગ્રામ ઓફીસર્સ અને સ્વયંસેવકો જણાવી રહ્યા છે. તેઓ રાષ્ટ્રસેવાની ઉત્કૃષ્ટ તકને ઝડપવા તલપાપડ હોવાનું દેખાઇ રહ્યું છ.ેકોઇપણ જાતની કુદરતી આફતો (પૂર, વાવાઝોડુ, ધરતીકંપ, સુનામી, રોગચાળો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, હાલમાં કોરોના વિગેરે) સમયે સમાજસેવા કરવા હંમેશા તત્પર રહેતા તમામ એન. એસ. એસ.કો-ઓર્ડીનેટર્સ, પ્રોગ્રામ ઓફીસર્સ તથા વોલન્ટીયર્સને તમામ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તથા રજીસ્ટ્રારશ્રીઓ સતત માર્ગદર્શન આપી રહ્યા છે. ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી એમ. નાગરાજન તથા ઉચ્ચ શિક્ષણના એડીશનલ-જો. કમિશનરશ્રી નારાયણ માધુ હકારાત્મક અભિગમ સાથે રાજયની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે.

(3:58 pm IST)