Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

બોર્ડના પેપરોની તપાસણી અનિશ્ચિત મુદ્દત સુધી સ્થગિતઃ પરિણામ-નવી પ્રવેશ પ્રક્રિયા મોડી

૩૧ માર્ચ સુધી મૂલ્યાંકન બંધના હુકમમાં સુધારોઃ ઉત્તરપોથીઓ બરાબર સાચવવા સૂચના : ચાર્ટડ એકાઉન્ટ, મેડીકલ એન્જીનિયરીંગની પ્રવેશ પ્રક્રિયાના પ્રારંભના સમય અંગે દ્વિધા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩૦: રાજય સરકારે ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષા માર્ચના બીજા-ત્રીજા અઠવાડિયામાં લીધા બાદ કોરોનાના કારણે મૂલ્યાંકન પ્રક્રિયા ૩૧ માર્ચ સુધી અટકાવેલ હવે મૂલ્યાંકનને અનિશ્ચિત મુદત સુધી સ્થગિત કર્યું છે.

ઉત્તરપોથીઓ તપાસવામાં મોડું થતા બોર્ડના પરિણામ મોડા જાહેર થશે. ધો. ૧૧ અને કોલેજ કક્ષાએ પ્રવેશ પ્રક્રિયામાં પણ મોડું થશે તેમ સરકારના સૂત્રો જણાવે છે. હાલ જો અને તો આધારિત પરિસ્થિતિ છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામકને આજે પત્ર પાઠવી જણાવ્યું છે કે, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની કામગીરી તા. ર૧-૦૩-ર૦ર૦ થી તા. ૩૧-૦૩-ર૦ર૦ સુધી કોરોના વાઇરસ (COVID-19) ના કારણોસર સ્થગિત કરવામાં આવેલ હતી ત્યારબાદ ભારત સરકારશ્રી દ્વારા કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં ત્રણ અઠવાડીયા સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આથી હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની કામગીરી હવે પછી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવે છે.

 આ બાબતની જાણ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં મૂલ્યાંકનની કામગીરીમાં આવનાર તમામ સંબંધિતોને કરવાની રહેશે. મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર મુકવામાં આવેલ ઉતરવહીઓને પાણી, આગ, શોર્ટ સર્કીટ, ઉધઇથી કોઇ નુકશાન ન થાય તેની કાળજી રાખવાની રહેશે. તેમજ સતત પોલીસ પ્રોટેકશન મળી રહે તે મુજબની વ્યવસ્થા પોલીસ તંૅત્રના પરામર્શમાં રહીને ચાલુ રાખવાની રહેશે.

(3:26 pm IST)