Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઓટલા પરિષદો યોજીને ગપ્પા મારવા મહિલાઓને ભારે પડયુ

પોલીસ દ્વારા આઠ મહિલાઓની ધરપકડ : નાગરિકો સાવધાન : સોસાયટી કે ફ્લેટના કોમન પ્લોટ કે પાર્કિંગમાં ટોળે વળશો તો પોલીસ પકડી જશે : અહેવાલ

અમદાવાદ,તા.૩૦ :    કોરોના વાઇરસના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા હોવાનું અને હોટસ્પોટ એટલે કે, કોરોના પોઝિટિવનું એપીસેન્ટર સમું હોવાનું કહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં મહિલાઓ, યુવકો સહિતના બિનજાગૃત નાગરિકો હજુ પણ ઘરોની બહાર નીકળી રહ્યા છે. ખાસ કરીને લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળીને સોસાયટી, ફલેટ કે એપાર્ટમેન્ટના કોમન પ્લોટ કે પાર્કિંગ સહિતની જગ્યામાં ટોળે વળી વાતો કરતાં નજરે પડી રહ્યા છે, તેમાંથી મહિલાઓ પણ બાકાત નથી પરંતુુ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ટોળે વળી વાતો કરનારી કેટલીક મહિલાઓને ઓટલા પરિષદ યોજી ગપ્પા મારવાનંુ ભારે પડયુ હતું. વસ્ત્રાપુુર પોલીસે આવી આઠ મહિલાઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે મહિલાઆલમમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. 

         વડાપ્રધાન મોદીની લોકડાઉનની અપીલની અમલવારી માટે રાજય સરકાર અને પોલીસ તંત્ર ભારે  જહેમત અને કડકાઇથી તેનું પાલન કરાવી રહી છે, ખાસ કરીને લોકડાઉનનો ભંગ કરનારા લોકો પર અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલીંગથી નજર રાખી રહી છે. હવે મહિલાઓ પણ સાવધાન થઈ જજો. ફ્લેટના ર્પાકિંગ કે સોસાયટીમાં ભેગા થઈ વાતો કરશો તો પણ પોલીસ ધરપકડ કરી લેશે.  

           વસ્ત્રાપુર પોલીસે હવે શકમબા ટાવરમાં આવેલ ર્પાકિંગમાં ભેગા મળી વાતો કરતી આઠ મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના ૫૦થી વધુ ગુના નોંધાયા છે અને ૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના ઘાટલોડિયા,સાબરમતી, વસ્ત્રાપુર, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુર,  પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે. શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કુલ ૨૩ કેસ પોઝિટિવ થયા છે. ઉલ્લેખનીય છે કે, ઘણા ક્વોરેન્ટાઇનલોકોનો ઇન્ક્યુબિશન પિરિયડ પૂરો થતો હોવાથી આ અઠવાડિયું ઘણું જ સંવેદનશીલ હોવાથી લોકોને ઘરેથી બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે.

(9:38 pm IST)