Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ડીજીપી શિવાનંદ ઝાને એક્ષટેન્શન મળી રહયાની જોરદાર ચર્ચાઓ

કોરોના વાયરસ સામે કાયદો વ્યવસ્થાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી કડકાઇથી અમલ કરાવનારની કદર થશે?

રાજકોટ, તા., ૩૦: ગુજરાતમાં કોરોના  વાયરસની વધતી જતી સંખ્યા અને લોકો ઘરમાંથી બહાર ન નિકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા લેવાતા કડક પગલાઓની બ્લુ પ્રિન્ટ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા તૈયાર કરી રાજયભરમાં તેનો અમલ કરાવવા માટે તેઓ જે રીતે સક્રિય થયા છે તે ચેઇન તેઓની આવતા માસે થનારી નિવૃતીને કારણે ન તૂટે તે માટે તેઓને નિવૃત કરવાના બદલે આ પરિસ્થિતિ કંટ્રોલમાં આવે ત્યાં સુધી એક્ષટેન્શન આપવાની કાર્યવાહી ચાલી રહયાની જોરદાર ચર્ચાઓ ઉચ્ચ અધિકારીઓ અને સચિવાલય વર્તુળોમાં ચાલી રહી છે.

 

અત્રે યાદ રહે કે આવતા માસ અર્થાત  એપ્રિલના અંતમાં નિવૃત થનારા રાજયના મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાની નિવૃતી સાથે રાજય પોલીસ તંત્રમાં સિનીયર અને જુનીયર કક્ષા સહિત ટોપ-ટુ બોટમ ફેરફારોને પણ કોરોના વાયરસની સ્થિતિ ધ્યાને લઇ બ્રેક મારી દેવા નિર્ણય કરાયાનું પણ ઉચ્ચ સુત્રો જણાવે છે.

શિવાનંદ ઝા નિવૃત થયા બાદ હાલ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં ડાયરેકટર તરીકે તથા નાર્કોટીકસ બ્યુરોના હવાલો સંભાળતા હાઇ પ્રોફાઇલ અને સિનીયોરીટી મુજબ જેઓનો ચાન્સ છે તેવા રાકેશ આસ્થાના ગુજરાતના નવા પોલીસ વડા બનનાર હોવાની  ચર્ચાઓ દિલ્હીથી ગુજરાત સુધી સતત ગુંજી હતી.

કોઇ સંજોગોમાં રાકેશ આસ્થાના ગુજરાત પરત ન ફરે તો અમદાવાદના પોલીસ કમિશ્નર અને સ્વચ્છ છબી ધરાવતા  આશીષ ભાટીયાને ગુજરાતના મુખ્ય પોલીસ વડા બનાવવાનું લગભગ નિશ્ચિત  જેવું છે.  આશીષ ભાટીયા ક્રાઇમ ડીટેકશનના માસ્ટર,  પડકાર ભર્યા કેસોની તપાસ કરવા માટે જાણીતા તથા આતંકવાદીઓના નેટવર્કની લેટેસ્ટ વિગતોથી અપડેટ રહેનારા અધિકારી તરીકે જાણીતા છે. જો કે હાલના સંજોગોમાં  કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેવો નિર્ણય લેશે તેના તરફ આતુરતાભરી મીટ મંડાઇ છે.

(12:28 pm IST)