Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના તાંડવ મચાવે તેવી સ્થિતિને પહોંચી વળવા ગુજરાત તૈયાર : ૩૦૦૦ આઇસોલેશન બેડ તૈયાર

૧૦ દિવસમાં બીજી ૨૯૦૦ બેડ તૈયાર થશે : રાજકોટમાં ૫૦૦ બેડ તથા બરોડામાં ૨૫૦ બેડની ખાસ વ્યવસ્થા

અમદાવાદ તા. ૩૦ : આગામી દિવસોમાં કોરોનાના વાયરસનો ફેલવો વધે અને સ્થિતિને પહોંચી વળવાના પૂર્વાનુમાન વચ્ચે ગુજરાત સરકારે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કોરોના હોસ્પિટલ ઉભી કરવાનું શરૂ કરી દીધું છે. રવિવાર સાંજ સુધીમાં રાજયમાં આ પ્રકારની ખાસ ૩૦૦૦ આઈસોલેશન બેડ તૈયાર થઈ ગયા છે. આ ઉપરાંત આગામી ૧૦ દિવસમાં બીજા ૨૯૦૦ બેડ તૈયાર થશે. આ તમામ આઈસોલેશન વોર્ડમાં ICU અને અલાયદી આઈસોલેશન વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજયના રેવન્યુ વિભાગના એડિ. ચીફ સેક્રેટરી પંકજ કુમાર જેમને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કોવિડ-૧૯ સામે લડવા માટેની સરકારીની તૈયારીઓની ઈનચાર્જ નિમવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, 'બે સપ્તાહ પહેલા રાજયના મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને જણાવ્યું હતું કે કોરોના વાયરસના કહેર સામે લડવા માટે રાજયમાં તમામ પ્રકારની સુવિધા તાત્કાલિક ધોરણે ઉભી કરવામાં આવે. ત્યારે રાજયમાં સૌથી વધુ કોરોનાના કહેરવાળા અમદાવાદ જિલ્લામાં અમે ૧૨૦૦ બેડની એક હોસ્પિટલને ફકત કોરોનાના દર્દીઓ માટેની હોસ્પિટલમાં ફેરવી નાખી છે. આ ઉપરાંત SVP હોસ્પિટલ અને સોલા હોસ્પિટલમાં આઈસોલેશનની વ્યવસ્થા સાથે બીજા કુલ ૧૦૦૦ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ જ રીતે રાજકોટમાં ૫૦૦ બેડ અને વડોદરામાં ૨૫૦ બેડની ખાસ વ્યવસ્થા સાથે ફકત કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે.'

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, 'આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ અન્ય ૨૯ જિલ્લામાં ઓછામાં ઓછા ૧૦૦ બેડ આઈસોલેશન અને ICUની સુવિધા સાથે ફકત કોરોનાના દર્દી માટે તૈયાર રાખવા જણાવ્યું છે. જે આગામી ૧૦ દિવસની અંદર તૈયાર કરી દેવામાં આવશે. વરિષ્ઠ IAS અધિકારીઓને આ તમામ જિલ્લામાં ICU અને આઈસોલેશનની સુવિધા સાથેના ખાસ કોરોના દર્દીઓના બેડની વ્યવસ્થા કરવા માટેની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જરૂર પડે તો કોરોના મહામારી સામે લડવા માટે હજુ પણ વધારે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગેના જુદા જુદા વિકલ્પો પર વિચાર કરી જ રહી છે.'

(10:17 am IST)