Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

હાઇવે સીલ : ગામના રસ્તા અને ખેતરમાં થઇને સ્થળાંતર કરી રહ્યા છે મજૂરો

ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં કામ કરતા મજૂરો અંતરિયાળ રસ્તાઓનો ઉપયોગ કરીને અમદાવાદમાં થઇને પોતપોતાના ગામ કે રાજ્યમાં પહોંચી રહ્યા છે

અમદાવાદ તા. ૩૦ : અમદાવાદ જિલ્લા તંત્ર જે મજૂરોનું પલાયન થતા અટકાવી રહ્યું છે, હવે તેની સામે એક નવો પડકાર આવી ગયો છે. પરપ્રાંતિય મજૂરો ખાસ કરીને જે લોકો સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબી જિલ્લામાં કામ કરે છે, હવે હાઈવે પર પોલીસ હોવાના કારણે ગામડાઓના અંદરના રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે.

જિલ્લા કલેકટર કે.કે નિરાલાએ કહ્યું, અમદાવાદ જિલ્લાથી અન્ય જિલ્લા સાથે જોડાયેલા હાઈવે પર પોલીસ હોવાના કારણે મજૂરો અંતરિયાળ રસ્તાઓથી બહાર નીકળી રહ્યા છે. કલેકટર કહે છે, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં કામ કરતા મજૂરો અંતરિયાળ રસ્તાઓનો ઉપયોગ કરીને અમદાવાદમાં થઈને પોતપોતાના ગામ કે રાજયમાં પહોંચી રહ્યા છે. તેઓ ગામના રસ્તાઓ અને ખેતરોમાં થઈને જાય છે. આવા લોકોને ટ્રેક કરવા મોટો પડકાર છે, પરંતુ આ સ્થિતિ એક દિવસની અંદર કંટ્રોલમાં આવી જશે.

વહીવટીતંત્રએ દરેક તાલુકામાં શેલ્ટર્સનું નિર્માણ કર્યું છે. જયારે ગ્રામિણ વિસ્તારોમાં પણ ૨૫ શેલ્ટર્સ બનાવાયા છે. AMC અને કલેકટરે સાથે મળીને અમદાવાદ શહેરમાં પણ શેલ્ટર્સ તૈયાર કર્યા છે. નિરાલાએ કહ્યું, મજૂરોનું સ્થળાંતર મુખ્ય રીતે પશ્યિમ તરફથી થઈ રહ્યું છે. હાઈવે સહિતના મુખ્ય રસ્તાઓ પર પોલીસ છે. અમે તેમને શેલ્ટર્સની સુવિધા પૂરી પાડીશું.

નિરાલા આગળ કહે છે, અમારો સૌથી પહેલા પ્રયાસ મજૂરો જયાં છે તેમને ત્યાં રોકવાનો છે. એક વખત મજૂરો જયાંથી પસાર થઈ રહ્યા છે, તે રસ્તા વિશે માલુમ પડી જાય પછી અમે લોકો સાથે ત્યાં પહોંચી જશું. તેમણે ઉમેર્યું, 'મજૂરો ફોનથી એકબીજા સાથે સંપર્કમાં હોવાના કારણે તેઓ એકબીજાને બહાર નીકળવાનો રસ્તો પણ બતાવી રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે PM મોદીએ દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે કામધંધો કે ખાવા-પીવાનું ન મળવાના કારણે મજૂરો ચાલતા જ પોતાના ગામ સુધી જઈ રહ્યા છે. સરકારના સતત કહેવા છતાં તેઓનું સ્થળાંતર ચાલું જ છે. એવામાં કેન્દ્ર સરકાર તરફથી કડકપણે તેમને રોકીને જયાં હોય ત્યાં જ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(10:17 am IST)