Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જીકાએ ૯૦૫ કરોડની જંગી લોન આપી દીધી

ઓડીના લોન સંદર્ભે સરકાર સાથે કરાર

અમદાવાદ,તા. ૨૯ : જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જીકા)એ ગુજરાતમાં પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન માટે ૧૩,૭૫૭ મિલીયન જાપાનીઝ યેન (આશરે રૂ. ૯૦૫ કરોડ)ની ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (ઓડીએ) પૂરું પાડવા માટે ભારત સરકાર સાથે એક કરાર પર મહત્વના હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટનો હેતુ મેનગ્રુવ્સ અને કોસ્ટલ શેલ્ટબેલ્ટ્સ, હરિયાળા મેદાનો, ભેજવાળી જમીન અને વનોને પુનઃસજીવન કરવા, માનવ વન્યજીવન સંઘર્ષના સંચાલન અને સંસ્થાકીય મજબૂતાઇ વિકસાવીને જીવસૃષ્ટિ (ઇકોસિસ્ટમ) સેવાને પુનઃજીવીત કરવી અને વધારો કરવાનો છે અને તે રીતે ગુજરાત રાજ્યમાં વિવિધ સોશિયો ઇકોનોમિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે યોગદાન આપવાનો છે.

         ઓડીએ લોન કરાર પર નાણાં મંત્રાલયના આર્થિક વિભાગના વિભાગના અગ્ર સચિવ ડો. સી.એસ. મોહાપાત્રા અને જીકા ઇન્ડિયાના મુખ્ય પ્રતિનિધિ શ્રી કાત્સુઓ મોત્સુમોટો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા જીકા ઇન્ડિયાના મુખ્ય પ્રતિનિધિ શ્રી કાત્સુઓ માત્સુમોટોએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના સસ્ટેનેબલ વિઝન ૨૦૨૦ના અનુસાર છે જેમાં સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ સંચાલન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ગુજરાતમાં આવેલા મેનગ્રુવ્સ, હરિયાળા મેદાનો, ભેજવાળી જમીન અને વન જમીનોમાં સુધારા માટે દરમિયાનગીરી કરવાનો સમાવેશ થાય છે. તેમાં આ પ્રોજેક્ટ ગુજરાતમાં વિવિધ જીવસૃષ્ટિના પુનઃવસન માટેના મોડેલ્સના વિકાસ-સુધારામાં યોગદાન આપશે તેવી આશા છે. માનવ વન્યજીવન સંઘર્ષ રાજ્યમાં એક ગંભીર સમસ્યા બની ગઇ છે અને આ પ્રોજેક્ટમાં અસંખ્ય દરમિયાનગીરીઓનો સમાવેશ થાય છે જેથી ગુજરાતમાં માનવ વન્યજીવન સંઘર્ષને વધુ મજબૂત બનાવી શકાય.

             વિવિધ જીવસૃષ્ટિઓ ઇકોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કામ કરે છે અને વિવિધ ઇકોલોજિકલ સર્વિસીઝ પૂરી પાડે છે. મેનગ્રુવ્સ અને શેલ્ટરબેલ્ટ્સ કૃષિને રક્ષણ આપે છે તેમજ કુદરતી વિનાશ સામે ઉદ્યોગોને પણ રક્ષે છે. નદી કિનારાના જંગલોમાં ધોવાણની ગતિ ધીમી પડે છે અને તેમાં પાણીનું ધીમે ધીમે વહેણ વધે છે, જે ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પૂરના જોખમમાં ઘટાડો કરે છે અને વોટરશેડમાં પાણીની ઉપલબ્ધિમાં વધારો કરે છે. હરિયાળા મેદાનો ઘાસ અને ઘાસચારાના ઉત્પાદન મારફતે પ્રાણીઓને ચારો પૂરો પાડે છે.

(8:38 am IST)