Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અમદાવાદ : લોકડાઉન ભંગ કરનારા ૨૯૨ વિરૂદ્ધ પગલા

લોકડાઉનનો કડક અમલ કરવા સ્પષ્ટ સૂચના : ડ્રોન અને સીસીટીવી મારફતે પણ લોકડાઉનનો ભંગ કરતાં તત્વો પર બાજ નજર : ૪૦૦થી વધુ વાહનો ડિટેઇન

અમદાવાદ,તા. ૨૯  : લોકડાઉન દરમ્યાન અમદાવાદમાં કલમ-૧૪૪ અને ૧૮૮નાા જાહેરનામા ભંગના ૨૯૨ કેસ શહેર પોલીસ દ્વારા કસૂરવારો વિરૂધ્ધ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગઇકાલે જ ૯૦ જેટલા ગુુના જાહેરનામા ભંગ બદલ દાખલ કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે લોકડાઉન દરમ્યાન ઘરમાંથી બિનજરૂરી રીતે બહાર નીકળતાં ૪૦૦થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે અમે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું. તેમણે અમદાવાદના તમામ નગરજનોને કોરોનાના કહેરથી બચવા લોકડાઉનમાં બહાર નહી નીકળવા અપીલ કરી હતી અને સાથે સાથે નાગરિકોને તેમના સ્થાનિક વિસ્તારમાં જ ખરીદી કરવા સૂચના આપી હતી. પોલીસ કમિશનર ભાટિયાએ ઉમેર્યું કે, લોકડાઉન દરમ્યાન લોકો સોસાયટીના કોમન પ્લોટ કે નાકા પર ભેગા થતા હોવાની અને ટોળે વળતાં હોવાની ફરિયાદો પણ મળી રહી છે, તેથી પોલીસ ડ્રોન મારફતે પણ નજર રાખી આવા કિસ્સાઓમાં કાર્યવાહી કરી રહી છે.

          આ સિવાય સીસીટીવી કેમેરા મારફતે પણ સતત નજર રખાઇ રહી છે. લોકડાઉનમાં ઘરમાં પુરાઈ રહેતા લોકોને નાકે દમ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો ઘણા દિવસ લોકડાઉનના ભાગરૂપે ઘરમાં કેદ રહેવાનું છે, ત્યારે લોકો કોરોના વાઇરસની ગંભીરતા સમજ્યા વિના ઘરની બહાર નીકળતાં અને સોસાયટી કે મહોલ્લા બહાર એકઠા થતા પોલીસે આવા લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય તે સબંધે તકેદારીના ભાગરૂપે અને નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા સારૂ સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરેલ હોય આ સંબંધે પોલીસ જાહેરનામાનો કડક અમલ કરાવી રહી છે. હજુ પણ લોકો આ બાબતે ગંભીર નહીં બની લોકડાઉન ની એસીતેસી કરનાર સામે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસે સઘન પેટ્રોલીંગ, ડ્રોન અને સીસીટીવીની મદદથી આવા તત્વોને ઝડપી તેઓની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ શહેરમાં ગઇકાલે દાખલ કરાયેલા ૯૦ ગુના સહિત અત્યારસુધીમાં જાહેરનામા ભંગ બદલ ૨૯૨ લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તો, જરૂર કે કારણ વિના ઘરની બહાર નીકળતા લોકોના ૪૦૦થી વધુ વાહનો ડિટેઇન કરીને આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

           ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદના સેટેલાઇટ પોલીસે એક જ દિવસે બે ફરિયાદ નોંધી સપાટો બોલાવ્યો હતો. જે મુજબ સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શક્તિ સ્કૂલ પાસે ચારથી વધુ લોકો ટોળે વળીને ઉભા હતા. જેથી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે આ તમામની પૂછપરછ કરી હતી અને ભેગા થવાનું કારણ પૂછ્યું હતું. જેમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, તેઓ એક બીજાને ઓળખે છે અને સમય પસાર કરવા ભેગા થયા છે. જેથી પોલીસે આ તમામની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાથે જ રાજીવનગર ચાર રસ્તા ખાતે પણ કેટલાક લોકો ટોળે વળીને ઉભા હોઈ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે કારણ પૂછતાં તેઓએ પણ એકબીજાને ઓળખતા હોવાથી સમય પસાર કરવા ભેગા થયાનો જવાબ આપતા પોલીસે તેમની પણ ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સોસાયટી બહાર સમય પસાર કરવા નીકળેલા લોકોને લોકઅપમાં જવાનો વારો આવ્યો હતો.

(9:29 pm IST)