Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે રવિ સિઝનના પાકોને નુકસાનઃ ખેડૂતો ચિંતાતૂરઃ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પાક નુકશાનીનો સરવે કરવાનું નક્કી કર્યું

માવઠાં અને કમોસમી વરસાદને કારણે આંબે આવેલા મોરને ભારે નુકશાન; આ વર્ષે કેરીના પાકને અસર થાય તેવી શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે રવિ સિઝનના કેટલાક પાકોને નુકસાન થવાની સંભાવના છે. કૃષિ તજજ્ઞોના મતે વિવિધ પાકોમાં પાંચથી સાત ટકા હાનિ પહોંચી છે. ખાસ કરીને જીરૂં, ધાણા, ઘઉં, મકાઈ, વરિયાળી, એરંડા, મગ અને ચણાના પાક ઉત્પાદનને માઠી અસર થશે.

ગુજરાતમાં રવિ સિઝનમાં અત્યાર સુધીમાં 11.72 લાખ હેક્ટર એટલે કે 99.95 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે, તે પૈકી સૌથી વધુ 125 ટકા વાવેતર તેલિબિયાના પાકોમાં થયું છે.

રાજ્યમાં ખેડૂતોએ 12.92 લાખ હેક્ટરમાં ઘઉંનું તેમજ 8.07 લાખ હેક્ટરમાં કઠોળ પાકોનું વાવેતર કર્યું છે. જીરૂં 2.75 લાખ હેક્ટર, ધાણાં 2.22 લાખ હેક્ટર, ઇસબગુલ 13000 હેક્ટર, વરિયાળી 51000 હેક્ટર, શાકભાજી 2.02 લાખ હેક્ટર, બટાટા 1.31 લાખ હેક્ટર તેમજ ડુંગળી 70 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

કૃષિ તજજ્ઞોના મતે આ પાકોમાં પાંચથી સાત ટકા નુકશાન થવાની સંભાવના છે. માવઠાં અને કમોસમી વરસાદને કારણે આંબે આવેલા મોરને ભારે નુકશાન થયું છે. તેથી આ વર્ષે કેરીના પાકને અસર થાય તેવી શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પાક નુકશાનીનો સરવે કરવાનું નક્કી કર્યું છે. કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, માવઠાં અને કમોસમી વરસાદના કારણે કઈ જગ્યાએ કયા-કયા પાકને નુકસાન થયું છે તેનો રિપોર્ટ મંગાવવામાં આવશે.

રવિ સિઝનની વાવણીનો અંતિમ તબક્કા છે, ત્યારે જ્યાં વાવણી થયેલી છે ત્યાં પાણી ભરાવાથી હાનિ થઇ શકે છે. હવામાનમાં પલટો આવતાં કેટલાક પાકોમાં જીવાતનો ઉપદ્રવ પણ વધી શકે છે. જો કે, ઘઉંના પાકમાં ઠંડીની આવશ્યકતા છે. ઉત્તર ગુજરાતમાં રાયડાના પાકને નુકશાન થયાનું જણાય છે પરંતુ હજી સુધી એ જાણી શકાયું નથી કે કેટલા હેક્ટરમાં ક્યા પાકને નુકશાન થયું છે.

(11:13 pm IST)