Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

બારડોલી નપામાં ર૦ર૩-ર૪નું બજેટ રજુઃ ૮પ.૩૧ કરોડના બજેટને સર્વાનુમતે મંજુર કરાયુઃ ખાસ જોગવાઇ ન હોવાથી નગરજનોમાં નિરાશા

અધ્‍યક્ષ સ્‍થાનેથી કેટલાક મહત્‍વના કામો રજુ કરવામાં આવ્‍યા હતા

બારડોલી નગરપાલિકામાં આગામી વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 85.31 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટમાં કોઈ ખાસ જોગવાઇ ન હોવાથી નગરજનોને નિરાશા સાંપડી હતી.

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇના અધ્યક્ષ સ્થાને મળી હતી.

જેમાં 25 કરોડની શરૂઆતની સિલક, 22.07 કરોડની નગરપાલિકાની સ્વભંડોળની આવક તેમજ મહેસૂલી ગ્રાન્ટ અને 38.23 કરોડની યોજનાકીય આવક મળી કુલ 85.31 કરોડ રૂપિયાની આવક થશે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આવકની સામે કુલ ખર્ચ કેટલો થશે તેનો અંદાજો પણ સભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અને મહેસૂલી ખર્ચ 23.47 કરોડ અને યોજનાકીય ખર્ચનો 61.63 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આમ 21.17 લાખ રૂપિયાની પુરાંત બાકી રહે છે. આ ઉપરાંત બજેટમાં અધ્યક્ષ સ્થાનેથી કેટલાક મહત્વના કામો રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં 15 ટકા વિવેકાધીન યોજનાનો અમલ કરવાની સત્તા પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રણ એજન્સીની સમયમર્યાદા વધારવાનું તેમજ બે એજન્સીની ધીમી કામગીરીને કારણે બ્લેકલિસ્ટ કરવાનું પણ સામાન્ય સભાએ નક્કી કર્યું હતું. જેમાં જલારામ મંદિર પાસે આરસીસી સ્લેબ ડ્રેનેજનું કામ કરતી જય હનુમાન ઇન્ફ્રાસ્ટ્રકચર એજન્સી અને રામજી મંદિર પાછળ ઓવારા સુધી આરસીસીસી રિટેનિંગ વોલ અને આરસીસી રોડનું કામ કરતી શ્રીજી કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. રિહેબિલિટેશન સેન્ટર ઊભું કરવા માટે એક નગરસેવકની રજૂઆત બાદ 2 કરોડની જોગવાઈ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી દિવસોમાં કરવેરામાં પણ સરકારની જોગવાઈ મુજબ રાહત આપવામાં આવશે એમ પ્રમુખે જણાવ્યુ હતું.

 

(10:47 pm IST)