Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગુજરાતમાં જુદી જુદી બોર્ડર પરથી બુટલેગરો નવા નવા કીમીયા અજમાવી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડતા હોય છેઃ કરોડો સ્‍ટેટ મોનિટરીંગ સેલ દ્વારા બે વર્ષમાં ૧૭ કરોડનો વિદેશી દારૂ પકડવામાં આવ્‍યો

તહેવારોમાં દારૂના સૌથી વધુ કેસ નોંધાયા છે

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં જુદી જુદી બોર્ડર પરથી બુટલેગરો નવા નવા કીમીયા અજમાવીને કરોડો રૂપિયાના વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે.

ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા બે વર્ષમાં 17 કરોડનો ઈગ્લીશ દારૂ ઝડપતા સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓની બોલતી બંધ થઈ જવા પામી છે.

તહેવાર આવે ત્યારે દારૂની રેલમછેલ થતી હોય છે જેના પર હંમેશાં પોલીસની વોચ હોય છે. દિવાળી, ક્રિસમસ, ઉત્તરાયણ સહિતના તહેવારોમાં દારૂનો જથ્થો એસએમસીની ટીમ વધુને વધુ ઝડપી પાડતી હોય છે. એસએસીની ટીમે જે દારૂનો જથ્થો જપ્ત કર્યો તેમાં સૌથી વધુ અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટનો છે આ સિવાય બોર્ડર ઉપરથી પણ દારૂ જપ્ત થયો છે.

છેલ્લા બે વર્ષમાં ૧૭ કરોડથી પણ વધુનો દારૂ જપ્ત એસએમસીએ કર્યો

બુટલેગર્સ અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને રાજ્ય બહારથી લાવીને અમદાવાદ, વડોદરા, સુરત સહિત ગુજરાતમાં ઠાલવે છે. બુટલેગર્સ પર ભલે સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંચ, પીસીબીના ચાર હાથ હોય પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક પછી એક રેડ કરીને કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ગત વર્ષે ૧૦.૪૦ કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જેના કારણે કેટલાક બુટલેગર્સે પોતાનો ધંધો બંધ કરી દીધો છે. છેલ્લા બે વર્ષમાં ૧૭ કરોડથી પણ વધુનો દારૂ જપ્ત એસએમસીએ કર્યો છે. જેના પર સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓની બોલતી બંધ થઇ ગઇ છે.

SMC રેડ કરે અને બીજા દિવસે પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી થાય

શહેરના દૂધેશ્વર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થોડા દિવસ પહેલાં દરોડા પાડીને ૨૫.૫૨ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડીને દસ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર કચેરી નજીક આટલો મોટો દારૂનો જથ્થો મળી આવતાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. પોલીસ કમિશનરે તરત જ માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇની બદલી કરીને પોલીસની ખરડાયેલી ઇમેજને સુધારવાનું કામ કર્યું હતું પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે શું દારૂનો જથ્થો પકડવાનું કામ માત્ર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનું જ છે.
અમદાવાદ પોલીસ દારૂના કેસ ઇચ્છા હોય ત્યારે જ કરે છે અને તેમાં પણ નાની માછલીઓને ટાર્ગેટ કરે છે જેના કારણે મોટી માછલીઓ બચી જાય છે પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનું કામ જરા હટકે છે. સ્ટેટ મોનિટરિંગ સેલ મોટી માછલીઓને પહેલાં પૂરી કરે છે જેના ભાગરૂપે લિકર કિંગ વિનોદ સિંધી, બંસી સહિતના લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. એસએમસીની ટીમે ગુજરાતની અલગ અલગ જગ્યા પર દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

એસએમસીની ટીમે રેકોર્ડ બ્રેક કામગીરી

વર્ષ ૨૦૨૧ કરતાં વર્ષ ૨૦૨૨માં એસએમસીની ટીમે રેકોર્ડ બ્રેક કામગીરી કરીને ૧૦.૪૦ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. આંકડા પર નજર કરવામાં આવે તો એસએમસીની ટીમે વર્ષ ૨૦૨૧માં કુલ ૨૭૫ દારૂના કેસ કર્યા હતા. જેમાં ૬.૯૦ કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો, જ્યારે ગત વર્ષે એટલે કે ૨૦૨૨માં ૪૪૦ કેસ કર્યા છે જેમાં ૧૦.૪૦ કરોડનો દારૂ જપ્ત કર્યો છે. ક્વોલિટી કેસની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૧માં ૨૭૫ કેસમાંથી ૧૪૮ કેસ થયા હતા જ્યારે વર્ષ ૨૦૨૨માં ૪૪૦ કેસમાં ૨૫૪ કવોલિટી કેસ હતા.
એસએમસીની આકંડાકીય વિગતો જણાવે છે કે ગુજરાતમાં દર એકાદ બે દિવસે દારૂનો જથ્થો જપ્ત થાય છે. એસએમસી સિવાય સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ, લોકલ ક્રાઇમ બ્રાંચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ પણ તેમની રીતે દારૂના કેસ કરતી હોય છે. મુદ્દામાલ સાથે જોવા જઇએ તો એસએમસીએ વર્ષ ૨૦૨૧માં ૧૩.૬૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે વર્ષ ૨૦૨૨માં ૨૦.૦૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

(9:15 pm IST)