Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

વિધાનસભાની ચૂંટણી ટાણે અનેક કોંગ્રેસના દિગ્‍ગજ નેતાઓ ભાજપમાં જોડાયાઃ હવે પૂર્વ ધારાસભ્‍ય સોઢા પરમાર પણ ભાજપમાં જોડાયા

ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.

ગાંધીનગરઃ રાજ્યમાં ગયા મહિને જ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભારે બહુમતીથી જીત મેળવી છે જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. ચૂંટણી ટાણે અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આ સિલસિલો ચૂંટણી પૂરી થતા પણ અટક્યો નથી. પાર્ટીથી નારાજ નેતાઓ આજે પણ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા છે. ગાંધીનગરના કમલમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

 

આ તકે આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે હાલમાં ગુજરાતની ચૂંટણી ગઇ. દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કંઇ જરૂર નથી અને કંઇ પડી નથી.કોઇ પણ મોટા નેતા કોંગ્રેસના ઉમેદવારોને મદદ કરવા આવ્યા ? જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. કોંગ્રેસે એના માટે શું કર્યુ ? એક પણ જગ્યાએ મોટો કાર્યક્રમ થયો હોય તો કહો... આ પરિસ્થિતિમાં પાર્ટીને કાર્યકરો કે આગેવાનોની જ જરૂર નથી.જ્યારે ભાજપનો આગેવાન બધાને મદદ કરે છે.હુ ઘણુ બધુ જોતો આવ્યો છુ. પાર્ટીમાં સંગઠનનું કામ પણ કર્યુ છે.આજે કોંગ્રેસની પરિસ્થિતિ કંઇ છે જ નહીં ત્યારે ના છૂટકે એમનાથી મુક્ત થવાનું વિચાર્યુ.ત્યારે અમારા વિસ્તારમાં જે ભાજપ સાથે છે અને ગરીબ લોકોને મદદ થાય ,અમારા વિસ્તારનો વિકાસ થાય અને લોકોને મદદ કરવા માટે આ વિકાસશીલ પાર્ટીમાં જોડાયા છીએ.

 

કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. નોંધનીય છે કે, કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળ સામે આવી હતી. તો વળી તાજેતરમાં સ્થાનિકોએ મતવિસ્તારમાં પડતી અગવડોને લઈને કાંતિ સોઢા પરમારને ઘેર્યા હતા.

 

અત્રે ઉલ્લેખનીય છે કે કે ભાજપમાં જોડાતા પહેલા કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને રાજીનામુ મોકલ્યુ હતુ. જ્યારે કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં જોડાવાની સંખ્યામાં વધારો થયો છે.

 

 

 

 

(9:04 pm IST)