Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ર૦ર૦ના જાહેરનામામાં ૬ વર્ષથી વધુ ઉંમરથા બાળકોને ધો. ૧માં પ્રવેશ આપવાનો ઉલ્‍લેખ કરાયોઃ નિયમની અમલવારી કરવાનું નકકી થતા વાલીઓમાં રોષ

વિદ્યાથીઓના હિતને ધ્‍યાને લઇ આ નિયમની અમલવારી અેક વર્ષ પાછી ઠેલવાની વાલીઓ દ્વારા માંગ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020 માં એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ધોરણ – 1 માં પ્રવેશ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે બાદ કોરોના કાળ લાગુ થઇ જતા આ જાહેરનામાની અમલવારી થઇ શકી ન હતી. પરંતુ હવે આ નિયમની અમલવારી કરવાનું નક્કી કરવામાં આવતા આજે વાલીઓનો મોરચો વડોદરાની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો છે. અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિયમની અમલવારી એક વર્ષ પાછી ઠેલવાની માંગ કરવામાં આવી છે.

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.31-1-2020ના રોજ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાત રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ-2012ના નિયમ ક્રમાંક-3માં સુધારો કરી શૈક્ષણિક વર્ષ 2023-24થી 1 જૂનના રોજ જે બાળકની ઉંમરનું છઠુ વર્ષ પૂરુ થયું ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેમ જણાવાયું હતું. એટલે કે શૈક્ષણિક વર્ષ 2023-24થી 1 જૂનના રોજ જે બાળકની ઉંમર છ વર્ષથી ઓછી હશે જેને આગળ પ્રવેશ મળશે નહીં. તેની જગ્યાએ સિનિયર કે.જી રિપિટ કરવાનો અથવા તો બાળકને એક વર્ષ ડ્રોપ લેવાના સ્કૂલના નિર્ણય સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. અને તેમના બાળકનું એક વર્ષ ન બગાડે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

આ મુદ્દાને લઇને વાલીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમની રજૂઆત છે કે છેલ્લા કેટલાંય દિવસોથી જાહેરનામાને કારણે ગુજરાતના અસંખ્ય વાલીઓ શિક્ષણ અધિકારીઓની કચેરીઓમાં તેમજ શાળાઓમાં ધક્કા ખાઇ રહ્યા છે અને વિગતો મુજબ સમગ્ર ગુજરાતમાં આશરે ત્રણ લાખ વિદ્યાર્થીઓ આ જાહેરનામાના કારણે ધો-1માં ગણતરીના મહીનાઓ કે દિવસોના કારણે પ્રવેશથી વંચિત રહે તેમ છે .જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેવી પરિસ્થિતિ હોય ત્યારે જાહેરનામાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24ની જગ્યાએ વર્ષ 2024-25થી કરવામાં આવે તો તમામ મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે.

આ મામલે જાણીતા વકીલ હિતેષ ગુપ્તાએ વાત કરતાં જણાવ્યું હતુ કે કોરોનાકાળના થોડા જ દિવસ પહેલા બહાર પાડવામાં આવેલ આ પરિપત્ર જેની જાણ વર્ષ 2020માં જૂન મહિનામાં કરવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કેટલીક સ્કૂલોને આની જાણ કરવામાં આવી હતી જ્યારે કેટલીક સ્કૂલોને જાણ કરવામાં ન હતી આવી તેથી આજે એવી પરિસ્થિતીનું નિર્માણ થયુ કે ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓ કે જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવાના હકદાર, જેમણે સિનિયર કે.જી પૂરુ કરી દીધુ છે. પરંતુ સ્કૂલના જણાવ્યા મુજબ સિનિયર કે.જી રિપીટ કરવાનું જણાવાયુ છે.અથવા તો એક વર્ષ ઘરે બેસાડો તેવુ કહેવામાં આવ્યુ છે.આમ કરવાથી બાળકના માનસ પર ખરાબ અસર પડશે. એટલે આજે કલેક્ટરને પરિપત્ર પાઠવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અન્ય રાજ્યોમાં આ બાબતે રાહત આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ આ બાબતે રાહત આપવામાં આવે તેવી અમારી માંગ છે.

 

 

 

 

 

 

 

(9:03 pm IST)