Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સુરતના ગોડાદરા વિસ્તારમાં મહિલાને 2 હજાર આપવાનું કહી ભેજાબાજ 20 હજારના દાગીના લૂંટી રફુચક્કર

સુરત: શહેર ના ગોડાદરા વિસ્તારમાં રવિવારે સાંજે શાકભાજી ખરીદી ઘરે પરત ફરતી પ્રૌઢ મહિલા લારી ઉપર ચાટનો નાસ્તો કરવા ઉભી હતી ત્યારે રૂ.2 હજાર આપવાનું કહી બે ગઠીયા બાજુની અંધારી ગલીમાં લઈ ગયા હતા અને  રૂ.20 હજારના દાગીના કઢાવી રફુચક્કર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા સુપર સિનેમા પાસે કૈલાશનગર ઘર નં.153 માં રહેતા અને લુમ્સના કારખાનામાં નોકરી કરતા ગોપાલભાઈ કનૈયાભાઈ સાળીના પત્ની રત્નાબેન ( ઉ.વ.54 ) ગતસાંજે છ વાગ્યે ઘરેથી શાકભાજી લેવા ગયા હતા.શાકભાજી ખરીદી સાત વાગ્યાના અરસામાં તે ગોડાદરા રોડ ભાટીયા મોબાઈલ સામે એરટેલ પેમેન્ટ બેન્કની સામે બમભોલે નાસ્તાની લારી ઉપર ચાટનો નાસ્તો કરવા ઉભા રહ્યા હતા.તે સમયે અંદાજીત 25 થી 30 વર્ષના બે હિન્દીભાષી તેમની પાસે આવ્યા હતા અને તમને બે હજાર રૂપિયા આપવાના છે કહી વાત કરી બાજુની ગણેશનગરની અંધારી ગલીમાં લઈ ગયા હતા.

ત્યાં બંનેએ રત્નાબેનને મંગળસૂત્ર અને કાનના ઝુમખા કાઢીને આપવા કહેતા રત્નાબેને રૂ.20 હજારની મત્તાના દાગીના કાઢી તેમને આપ્યા હતા.જોકે, બંને દાગીના લઈ ત્યાંથી રફુચક્કર થઈ જતા પોતે છેતરાયા છે તેવું જાણ્યા બાદ રત્નાબેને પુત્ર મહેશ સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

 

(7:34 pm IST)