Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગાંધીનગર નજીક મોટી શિહોલીમાં સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કર 4.86 લાખની મતા ચોરી છૂમંતર.....

ગાંધીનગર :  શિયાળાની ઠંડી દરમિયાન ગાંધીનગરમાં દર વર્ષે ઘરફોડ ચોરીના બનાવો વધી જાય છે. જોકે પોલીસ દ્વારા આ બનાવો અટકાવવા માટે યોગ્ય એક્શન પ્લાન અમલમાં નહીં મૂકવામાં આવતા આ વર્ષે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારની વસાહતોમાં ઘરફોડ ચોરીઓએ માઝા મૂકી છે ત્યારે શહેર નજીક આવેલા મોટી શિહોલી ગામની એલિગન્સ સોસાયટીના બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે. આ અંગે રમેશભાઈ મફાભાઈ દંતાણીએ ફરિયાદ આપી હતી કે, તે ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે અને આ વસાહતમાં મકાન નંબર બી/ડી ૧૦૪માં વસવાટ કરે છે. ગત ૨૪ જાન્યુઆરીએ તે તેમનું મકાન બંધ કરીને વતન ડભોડામાં પત્ની સાથે રહેવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ સ્ટુડિયો ઉપર અપડાઉન કરતા હતા. જ્યારે આ વસાહતમાં મકાન નંબર ૧૦૧માં તેમનો પુત્ર મહેન્દ્ર રહે છે. આજે સવારના સમયે મહેન્દ્રએ પિતાના ફ્લેટની જાળીનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું. જેના પગલે ઘરમાં જઈને તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો. જેથી આ સંદર્ભે તેણે પિતા રમેશભાઈને જાણ કરતાં તેઓ તુરત જ ઘરે આવી ગયા હતા અને મકાનમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૪.૮૬ લાખ રૃપિયાની મતા ચોરાઈ હોવાનું જણાયું હતું. આ મામલે તેમણે ચિલોડા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને શોધવા માટે દોડધામ શરૃ કરી છે. ગાંધીનગરમાં વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે મકાન બંધ કરીને હવે બહારગામ જવાનું વિચારતા પરિવારો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. 

(7:31 pm IST)