Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અડાલજ-કલોલ હાઇવે પર વરરાજાની કારને આંતરી કિન્નરો 21 હજાર લૂંટી ગયા.

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા અડાલજ કલોલ હાઇવે ઉપર જમિયતપુરા પાટિયા પાસે પસાર થઈ રહેલી વરરાજાની કાર રોકીને ચાર જેટલા કિન્નરોએ ૨૧ હજાર રૃપિયાની બક્ષિસ માગી કારના ચાલક સાથે ઝપાઝપી કરી સોનાનો દોરો તોડી લઈ કારને નુકસાન પહોંચાડયું હતું. જે સંદર્ભે અડાલજ પોલીસે ચાર અજાણા કિન્નરો સામે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

જિલ્લાના હાઇવે માર્ગો ઉપર પસાર થતા વાહનોને રોકી બક્ષિસ માગતા કિન્નરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર જમિયતપુરા પાસે ચાર જેટલા કિન્નરોએ લૂંટ ચલાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સંદર્ભે કલોલમાં યોગી કૃપા સોસાયટી ખાતે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા સમીર નવીનચંદ્ર બારોટે ફરિયાદ આપી હતી કે, ગત ૨૪ જાન્યુઆરીના રોજ તેઓ તેમના કાકાના દીકરા અચલ હર્ષદભાઈ બારોટના લગ્ન હોવાથી કાર લઈને અમદાવાદના હાથીજણ મુકામે ગયા હતા. વરરાજાની આ કારમાં તેઓ નવ વધુ સાથે પરત ફરી રહ્યા હતા તે સમયે જમિયતપુરા પાટિયા પાસે ચાર જેટલા કિન્નરોએ તેમની કારને ઉભી રાખી હતી અને બક્ષિસ પેટે ૨૧ હજાર રૃપિયાની માંગણી કરી હતી. જેના પગલે તેમણે તેમના કાકા હર્ષદભાઈની કાર પાછળ આવતી હોવાથી રાહ જોઈ હતી. આ દરમિયાન તેમણે કિન્નરોને મુહૂર્ત નીકળી જતું હોવાની વાત કરીને જવા દેવા પણ કહ્યું હતું. ૫૦૦ રૃપિયા બક્ષિસ પેટે આપવા છતાં તેઓ માન્ય ન હતા અને બોનેટ ઉપર હાથ પછાડીને કારનો કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. સમીરભાઈને પણ કારમાંથી બહાર ખેંચી તેમની સાથે ઝપાઝપી કરીને સોનાનો દોરો તોડી લીધો હતો ત્યારબાદ આ કિન્નરો ત્યાંથી નીકળી ગયા હતા. કારને પણ નુકસાન પહોંચાડયું હોવાથી આ મામલે તેમણે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૯૭ હજાર ઉપરાંતની લૂંટનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા કિન્નરોની શોધખોળ શરૃ કરી છે.

(7:30 pm IST)