Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગાંધીનગરના આસપાસના વિસ્તારોમા તસ્કરોનો તરખાટ:લગ્ન પ્રસંગે ગયેલ પરિવારની કારનો કાચ તોડી 39 હજારની મતાની ઉઠાંતરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક વૈષ્ણોદેવી સર્કલ પાસે પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે હાજરી આપવા આવેલા બાપુનગરના પરિવારની કારનો કાચ તોડીને ગાંઠિયાઓ તેમાંથી દાગીના અને રોકડ રકમ મળી ૩૯ હજારની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ આદરી છે. કારના કાચ તોડનારી ગેંગ તરખાટ મચાવી રહી હોવા છતાં પોલીસ કડક કાર્યવાહી નહીં કરતાં લોકોમાં રોષ પ્રવર્ત્યો છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓની સાથે ગઠિયા ટોળકીનો ત્રાસ વધી રહ્યો છે. ખાસ કરીને જાહેર સ્થળો અને લગ્ન પ્રસંગ આસપાસ પાર્ક થયેલી કારના કાચ તોડી તેમાંથી કીમતી મુદ્દામાલની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે શહેર નજીક સરખેજ હાઇવે ઉપર વૈષ્ણોદેવી સર્કલ પાસે બંધન પાર્ટી પ્લોટ બહાર પાર્ક થયેલી કારનો કાચ તોડી ચોરીની ઘટના બનવા પામી છે. આ સંદર્ભે બાપુનગર ખાતે ઉમિયા નગર સોસાયટીમાં રહેતા અને ખાનગી લેબોરેટરીમાં નોકરી કરતા જયકુમાર શૈલેષભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના સમયે તેઓ તેમના પરિવાર સાથે વૈષ્ણોદેવી સર્કલ પાસે બંધન પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે આવ્યા હતા. જ્યાં હાજરી આપીને તેઓ તેમના પુત્ર સાથે બહાર આવ્યા ત્યારે તેમની કારનો કાચ તૂટેલો હોવાનો જણાયું હતું. જેથી કારમાં જઈને તપાસ કરતા તેમની પત્નીનું પર્સ ગાયબ હતું અને તેમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી ૩૯ હજારની મત્તા ચોરાઈ ગઈ હતી. જેથી મામલે તેમણે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને ગઠિયા ટોળકીની શોધખોળ શરૃ કરી છે. ગાંધીનગરમાં ઘણા સમયથી આ પ્રકારની ચોરીની ઘટનાઓ વધી રહી છે પરંતુ હજી સુધી આ ટોળકી પોલીસના હાથમાં આવી નથી.

(7:29 pm IST)