Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગાંધીનગર:બાર લાખની ઉઘરાણીના કેસમાં યુવાન પર હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  મહેસાણાના પઢારિયા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા મહેન્દ્રગીરી કનુગીરી ગોસ્વામી ફરિયાદ આપી હતી કે, છ મહિના અગાઉ તેને રૃપિયાની જરૃરિયાત ઊભી થતા કડી ખાતે રહેતા ચંદનગીરી ગોસ્વામી પાસેથી ૧૨ લાખ રૃપિયા હાથ ઉછીના લીધા હતા અને છ મહિનામાં રૃપિયા પરત કરવાની પણ બાહેધરી આપી હતી. જોકે તે રૃપિયા પરત નહીં આપી શકતા ચંદનગીરી દ્વારા અવારનવાર ફોન કરીને ઉઘરાણી કરવામાં આવતી હતી. ગઈકાલે સાંજના સમયે મહેન્દ્રગીરી સરગાસણ ખાતે તેના મિત્ર અક્ષય સોનીને મળવા આવ્યો હતો તે સમયે ચંદનગીરીએ ફોન કર્યા હતા પરંતુ મહેન્દ્રએ ફોન ઉપાડયા ન હતા. ત્યારબાદ તે નજીકમાં હોવાથી ત્યાં આવી ગયો હતો અને મહેન્દ્રની કારમાં બેસી ગયો હતો ત્યારબાદ આ બંને જણા ગાંધીનગરના ઘ પાંચ સર્કલ થઈ પ્રેસ સર્કલ તરફ પહોંચ્યા હતા જ્યાં રૃપિયા મામલે બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેના પગલે રોડ નંબર સાત ઉપર મહેન્દ્રગીરી કારમાંથી ઉતર્યો હતો અને ચંદનગીરી સાથે મારામારી ચાલી રહી હતી તે સમયે પાછળથી એક કાર આવી હતી અને મહેન્દ્રગીરી ઉપર ચઢી ગઈ હતી. જેમાં સવાર કડીના મિહિર પટેલે આ રૃપિયા અમારા છે તે આપી દેજે નહીંતર ફરીથી જીવતો છોડીશું નહીં તેવી ધમકી પણ આપી હતી. આસપાસના લોકો દોડી આવતા આ બંને શખ્સો કાર લઈને નાસી છૂટયા હતા. ત્યારબાદ ઘાયલ મહેન્દ્રગીરી ગોસ્વામીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની ફરિયાદના આધારે સેક્ટર ૨૧ પોલીસ કડીના આ બંને શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

(7:29 pm IST)