Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે લાયસન્સ વિનાની તમામ મીટ શોપ બંધ કરવા સરકારને આદેશ આપ્યો

હાઈકોર્ટે AMCને ટકોર કરતાં કહ્યું હતું કે, કતલખાના મુદ્દે જેટલી ફરિયાદો આવી છે એમાંથી હજી કેટલી મીટશોપ ચાલુ, લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં કેમ ચલાવી લેવામાં આવે છે. તમે અધિકારીઓના કાગળ પર જવાબો નહીં પણ કામ બતાવો

ગુજરાતમાં ચાલતાં ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. હાઈકોર્ટે આવા કતલખાનાને લઈને સરકારને બરાબરની ઝાટકી હતી. હાઈકોર્ટે લાયસન્સ વિનાની તમામ મીટ શોપ બંધ કરવા સરકારને આદેશ આપ્યો હતો. બીજી તરફ AMCની કાર્યવાહી સામે કોર્ટે નારાજગી વ્યક્ત કરીને આકરી ટીકા કરી હતી. હાઈકોર્ટે AMCને ટકોર કરતાં કહ્યું હતું કે, કતલખાના મુદ્દે જેટલી ફરિયાદો આવી છે એમાંથી હજી કેટલી મીટશોપ ચાલુ છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં કેમ ચલાવી લેવામાં આવે છે. તમે અધિકારીઓના કાગળ પર જવાબો નહીં પણ કામ બતાવો.
વિસ્તૃત જવાબ ફાઈલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો
બીજી તરફ સરકારે હાઇકોર્ટમાં કતલખાના મુદ્દે જવાબ રજુ કર્યો હતો. જ્યારે AMCએ 25 દુકાનો સીલ કરી હોવાનો જવાબ રજૂ કર્યો હતો. તે ઉપરાંત AMCએ કહ્યું હતું કે, આજે સાંજથી જ ટીમ કાર્યવાહી શરૂ કરી દેશે. હાઈકોર્ટે સુરત મહાનગર પાલિકાને પણ ઝાટકી હતી. સુરત મનપા કોઈ કાર્યવાહી જ નથી કરી રહી. રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાના મુદ્દે હાઇકોર્ટ મપનાની કામગીરી પર ઉધડો લીધો હતો.હાઈકોર્ટે કહ્યું કે, આ કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી. સરકારને વિસ્તૃત જવાબ ફાઈલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
297 દુકાનો પાસે લાયસન્સ ન હોવાનો સરકારે જવાબ આપ્યો
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 12 જેટલા કતલખાનાને લાયસન્સ અપાયું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરતી ન હોવાનો અરજીમાં અરજદારે દાવો કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા પણ તમામ ગેરકાયદે દુકાનો સીલ કરવા આદેશો કરાયા છે. 297માંથી 63 દુકાનો-કતલખાના જ સીલ કરાયા હોવાનું કોર્ટે નોંધ્યું. 700થી વધુ દુકાનોમાંથી 297 દુકાનો પાસે લાયસન્સ ન હોવાનો સરકારે જવાબ આપ્યો.
 

(7:08 pm IST)