Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સામાન્‍ય કલાર્કમાંથી નર્સીગ કોલેજનો માલીક બનનાર હાર્દિક શર્માની પેપર લીકમાં સંડોવણી

ગુજરાત એટીએસ ટીમે ૧૬ ની ધરપકડ કર્યા બાદ તપાસનો ધમધમાટ

ગાંધીનગર, તા.૩૦: જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર ફુટયા બાદ એટીએસ ટીમે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જૂનિયર ક્‍લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે તપાસ ચાલી રહી છે. જેમાં ગુજરાતના કેટલાક લોકો સિવાય અન્‍ય રાજ્‍યના લોકોની સંડોવણી સામે આવતા ખળભળાટ મચ્‍યો છે. અરવલ્લી જિલ્લાના ૨ અને સાબરકાંઠાના એક વ્‍યક્‍તિની સંડોવણી સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્‍વપૂર્ણ છે કે ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્‍લાર્કની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું પેપર ફૂટી જવાને કારણે પરીક્ષાની અગાઉની ગણતરીના કલાક પહેલા જ રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા ૧૦૦ દિવસની અંદર લેવામાં આવશે તેવી જાહેરાત ગુજરાત સરકારના પંચાયત વિભાગના વિકાસ કમિશનરે કરી છે.

અરવલ્લી જિલ્લાના બાયડના રાજ બારોટ અને કેતન બારોટ તેમજ સાબરકાંઠાના પ્રાંતીજના વદરાડ ગામના હાર્દિક અરવિંદ ભાઇ શર્માની સંડોવણી સામે આવી છે. આ ત્રણેય સામે પોલીસ તપાસ કરી રહી છે. હાર્દિક શર્મા અમદાવાદ અને સાબરકાંઠામાં ૭થી ૮ જેટલી નર્સિગ કોલેજમાં ભાગીદારી ધરાવે છે. હાર્દિક શર્મા સામાન્‍ય ક્‍લાર્કમાંથી નર્સિગ કોલેજોનો માલિક બન્‍યો છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જૂનિયર ક્‍લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે ગુજરાત ATSએ ૧૬ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદમાં એજ્‍યુકેશન કન્‍સલટન્‍સી ચલાવતા કેતન બારોટની પણ ધરપકડ કરવામાં આવી છે. કેતન બારોટ આશ્રમ રોડ પર વલ્લભસદનની સામે રત્‍નાકર બિઝનેસ કોમ્‍પલેક્‍સમાં ચોથા માળે દિશા કન્‍સલટન્‍સી નામની ઓફિસ ધરાવે છે. આરોપી કેતન બારોટની ૨૦૧૯માં બિરલા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્‍ડ સાયન્‍સનું પેપર ફૂટવા મામલે ધરપકડ કરવામાં આવી હતી.

કેતન બારોટ મૂળ બાયડનો રહેવાસી છે. દિશા કન્‍સલ્‍ટન્‍સી નામની ઓફિસ ધરાવી લોકોને વિદેશ ભણવા માટે મોકલે છે.  કેતન બારોટ ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં મોટુ નામ છે.

જૂનિયર ક્‍લાર્કનું પેપર ફૂટયા બાદ પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળતો હતો. પેપર ફૂટતા ૯.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનું સરકારી નોકરી મેળવવાનું સ્‍વપ્ન તૂટી ગયુ હતુ અને સોશિયલ મીડિયા પર મીમ્‍સ દ્વારા ગુસ્‍સો ઉતાર્યો હતો.

(4:25 pm IST)