Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૧લી ફેબ્રુઆરીએ ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડની T-20 મેચ માટે અત્યાર સુધી ૬૦ હજાર કરતાં વધુ ટિકિટ વેચાઇ

23 જાન્યુઆરીથી ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતુઃ ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટનું વેચાણ ચાલુઃ પાર્કિંગ માટે 18 પ્લોટ નક્કી કરવામાં આવ્યાઃ પ્લોટમાં 50થી 200 રૂપિયા ચૂકવીને વાહન પાર્ક કરી શકાશે

મુંબઇઃ  1લી ફેબ્રુઆરીએ ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડની T-20 મેચ યોજાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. મેચને લઈને 23 જાન્યુઆરીથી ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં અત્યાર સુધી 60 હજાર કરતાં વધુ ટિકિટ વેચાઇ છે. મેચ જોવા આવનાર પ્રેક્ષકો માટે 18 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્લોટમાં 50થી 200 રૂપિયા ચૂકવીને વાહન પાર્ક કરી શકાશે.

BCCI દ્વારા ત્રીજી ટી-20 મેચનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમ 30 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે. 31 જાન્યુઆરીએ સ્ટેડિયમમાં બંને ટીમ પ્રેક્ટીસ કરશે અને 1 ફેબ્રુઆરીએ મેચ યોજાશે. આ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી મેચની 60 હજારથી વધુ ટિકિટ વેચાઈ છે. 90 હજાર પ્રેક્ષકો મેચ જોવા આવે તેવી અપેક્ષા છે. હજુ ઓનલાઇન અને ઓફલાઇન 500 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની ટિકિટનું વેચાણ ચાલુ જ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ગેટ નંબર 1 અને 2 પબ્લિક એન્ટ્રી માટે ખુલ્લો રહેશે. જ્યારે 3 અને 4 નંબરના ગેટથી VVIP અને VIPને પ્રવેશ આપવામાં આવશે. મેચને લઈને રસ્તા પર ટ્રાફિકના સર્જાય તે માટે જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. સમગ્ર રોડ પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવશે, છતાં કોઈ વાહન પાર્ક કરે તો ટ્રાફિક પોલીસની ક્રેન દ્વારસ વાહન ટોઇંગ કરવામાં આવશે. પાર્કિંગ માટે 18 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 50 હજાર વાહન પાર્ક થઈ શકશે. SHOW MY PARKING એપ્લિકેશન દ્વારા મેચ જોવા આવનાર એડવાન્સમાં પાર્કિંગ બુક કરી શકશે. ટુ વહીલર પાર્કિંગ માટે 50 રૂપિયા અને ફોર વહીલર પાર્કિંગ માટે 200 રૂપિયા ઓનલાઇન ચૂકવવાના રહેશે.

અમદાવાદ ટ્રાફિક પશ્ચિમ ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, મેચના દિવસે લોકોની અવરજવર વધુ હશે અને ટ્રાફિક પણ રહેશે, તો લોકોએ શક્ય હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધુ ઉપયોગ કરવો. મેટ્રો ટ્રેન ચાલુ થઈ છે જે સ્ટેડિયમ સુધી આવે છે તથા AMTS કે BRTS બસનો પણ સ્ટેડિયમ સુધી આવવા ઉપયોગ કરવો. આ ઉપરાંત જે લોકો પોતાના વાહન લઈને આવવાના હોય તે એડવાન્સમાં જ પોતાનું પાર્કિંગ બુક કરાવે તો સમયનો પણ બચાવ થઈ શકશે.

(12:10 am IST)