Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અમદાવાદનું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ઓસ્‍ટ્રેલિમયાના સૌથી મોટા મેદાન મેલબોર્ન કરતા મોટુ બનશેઃ ૭૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતુ હશે

અમદાવાદ : ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ સરદાર પટેલ(મોટેરા) ક્રિકેટ સ્ટેડીયમ. હાલ તો મોટેરા સ્ટેડીયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહનો ડ્રીમ પ્રોજેક્ટ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડીયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન કરતા પણ મોટું બનાવવામાં આવી રહ્યું છે. મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ 63 એકર જમીન પર આકાર પામી રહ્યું છે જેની ક્ષમતા 1,10,000 જેટલી થવા જઈ રહી છે, જે અગાઉ આશરે 54,000 જેટલી હતી. આવો જોઈએ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની ખાસિયત...

..તો ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડશે મોટેરા સ્ટેડિયમ

ક્ષમતાની દ્રષ્ટિથી જોતા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા મેદાન મેલબોર્ન કરતા મોટું હશે. મેલબોર્ન સ્ટેડિયમની ક્ષમતા આશરે 1 લાખની છે. પરંતુ મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1,10,000ની હશે. 2019ના અંત સુધીમાં ગુજરાત ઓસ્ટ્રેલિયાનો મોટા સ્ટેડિયમ ધરાવવાનો રેકોર્ડ તોડીને પોતાના નામે કરશે. ત્યારે રેકોર્ડ ગુજરાતની સાથે ભારતનું ગૌરવ પણ વધારશે.

સ્ટેડિયમ જુના સ્થળ પર નવેસરથી બનાવાઈ રહ્યું છે. વર્ષ 2015ના અંતમાં મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમને તોડી પાડવાનું શરૂ કરાયું હતું. ત્યાર બાદ સ્ટેડિયમને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવાની જવાબદારી લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને સોંપવામાં આવી. L&T દ્વારા સ્ટેડિયમ નવેસરથી બનાવવાની શરૂઆત માર્ચ 2017થી કરવામાં આવી. સ્ટેડિયમ વર્ષના અંત સુધી બનીને તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. સ્ટેડિયમને જલ્દીથી પૂરુ કરવા માટે હાલ રોજના 3000 જેટલા દિવસરાત મહેનત કરી રહ્યાં છે. તેમજ 6 જેટલા મોટા ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. એક ક્રેનનું એક દિવસનું ભાડું માત્ર રૂપિયા 2 લાખ ચૂકવાઈ રહ્યું છે.

વર્લ્ડ ફેમસ ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહેલા સ્ટેડિયમની ખાસિયત

    - અત્યાર સુધી મેદાનની ક્ષમતા 54,000 પ્રેક્ષકોની હતી, હવે એક સાથે 1,10,000 જેટલા લોકો બેસીને મેચ નિહાળી શકશે

    - જેનો ખર્ચ આશરે રૂપિયા 700 કરોડનો કહેવામાં આવી રહ્યો છે.

    - સમગ્ર સ્ટેડિયમમાં ક્યાંય પિલ્લર નહીં જોવા મળે. જેના કારણે મેદાનના કોઈ પણ ખૂણામાંથી બેસીને કોઈ પણ વિક્ષેપ વગર પ્રેક્ષકો મેચ જોઈ શકાશે

    - સ્ટેડિયમમાં 76 જેટલા કોર્પોરેટ બોક્સ પણ બનાવાઈ રહ્યા છે. કોર્પોરેટ બોક્સને અલાયદી વ્યવસ્થાઓ સાથે સજ્જ કરવામાં આવી રહ્યા છે તમામ બોક્સમાં ખાવાપીવાની વ્યવસ્થા, વોશરૂમ, સોફાસેટ, ટીવી અને સાથે 20થી 25 જેટલા લોકો એક સાથે બેસીને મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે.

    - સમગ્ર મેદાનમાં LED લાઈટ પણ લગાવવામાં આવશે. સાથે લાઈટને લઈને કોઈ સમસ્યા સર્જાય તેના માટે બે મોટા જનરેટર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે.

    - મેદાનમાં પ્રવેશવા માટે હાલ મુખ્ય દ્વાર તો રહેશે, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ મેદાનની પાછળના ભાગથી પણ દર્શકોને બહાર તરફ જવા માટેનો માર્ગ આપવામાં આવશે.

    - 20 જેટલા પ્લેયર્સ એક સાથે પોતાની કીટ મૂકી શકે તેવી વ્યવસ્થા સાથે 4 જેટલા તમામ સુવિધાઓથી સજ્જ ડ્રેસિંગરૂમ પણ બનાવાઈ રહ્યા છે.

    - ક્રિકેટર્સને પ્રેક્ટિસ માટે પણ અલગ પીચ બનાવાઈ રહી છે.

    - BOSSના મ્યૂઝિક સિસ્ટમ સાથે સમગ્ર સ્ટેડિયમ સજ્જ કરવામાં આવશે.

    - મેદાનમાં પ્રવેશવા માટે કુલ 3 પ્રવેશદ્વાર બનાવાશે. 3 હજાર કાર અને 10થી 12 હજાર જેટલા દ્વિચક્રી વાહનો માટેની પાર્કિંગની વ્યવસ્થા હશે

    ભવ્ય ક્લબ હાઉસ પણ બનાવાયું

સ્ટેડિયમ ખાતે માત્ર ક્રિકેટ નહીં પરંતુ એક ભવ્ય ક્લબ હાઉસ પણ બનાવાઈ રહ્યું છે. 15મી જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને GCAના ઉપાધ્યક્ષ પરિમલ નથવાણી દ્વારા સ્ટેડિયમની અને ક્લબ હાઉસની મુલાકાત લેવામાં આવી. હાલમાં ચાલી રહેલા કામો અંગે અમિત શાહે માહિતી મેળવી હતી. ક્લબ હાઉસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વીમીંગ પુલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ તથા વિવિધ પ્રકારની ઇન્ડોર ગેમ જેવી કે પુલ, ટેબલ ટેનીસ, કેરમ, ચેસ રમી શકાય તેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે ક્લબ હાઉસમાં 55 જેટલા ભવ્ય રૂમ પણ બનાવાઈ રહ્યા છે જે 2019ના અંત સુધીમાં બનીને તૈયાર થઇ જશે.

મોટેરાને મક્કા તરીકે ઓળખ મળશે

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પરિમલ નાથવાણીએ સ્ટેડીયમ વિશે વાત કરતા જણાવ્યું કે, સ્ટેડિયમ બન્યા બાદ લોર્ડસના બદલે અમદાવાદ મોટેરાને ક્રિકેટના મક્કા તરીકેની ઓળખ મળશે. જેમાં આશરે 3 હજાર કાર અને 10થી 12 હજાર જેટલા દ્વિચક્રી વાહનો માટેની પાર્કિંગની વ્યવસ્થા કરવામ આવશે. સાથે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે 3 અલગ અલગ માર્ગ પણ હશે. જેનું નિર્માણ કોર્પોરેટ બોક્સના વેચાણ તથા GCA અને BCCI દ્વારા મળનારી સહાયથી કરાશે.

 

(4:57 pm IST)