Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

પ્રાથમિક સ્કુલનાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો ભારે માનસિક તાણમાં કામ કરે છે

એક અભ્યાસમાં બહાર આવ્યા ચોંકાવનારા તારણોઃ વર્કલોડ વધી રહ્યો છે : શિક્ષણ ઉપર અન્ય કામગીરીમાં જોતરાવું પડે છે

અમદાવાદ તા. ૩૦ :  બીએમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા ઓકયુપેશનલ સ્ટ્રેસ (કામનું ભારણ) પર કરાયેલી એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે, પ્રાથમિક સ્કૂલના શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો ભારે માનસિક તાણમાં કામ કરી રહ્યા છે.

ગત જુલાઈ-ઓગસ્ટમાં હાથ ધરાયેલા આ સ્ટડીમાં દરેક વ્યવસાયના ૩૦ લોકોનો સેમ્પલ સર્વે કરવામાં આવ્યો હતો. બીએમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના ડાયરેકટર ડો. મધુ સિંહે જણાવ્યું કે, 'કામને કારણે થતી સમસ્યાઓને લઈને દિવસેને દિવસે વધુ દર્દીઓ આ સંસ્થાનો સંપર્ક કરી રહ્યા હોવાથી તેમને કામના ભારણની કામ અને અંગત જીવન પર થતી અસરોનો અભ્યાસ કરવાની જરૂરિયાત લાગી. ઉપરાંત માનિસક તંદુરસ્તી વધારે સારી રીતે કામ કરી શકાય તે માટે પણ આ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો.'

આ સ્ટડી હાથ ધરનારા ડો. રાજુલ મલિકે જણાવ્યું કે, આ સ્ટડી માટે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ ટૂલ્સનો ઉપયોગ કરાયો હતો. સ્ટડીના માપદંડોમાં વર્ક ઓવરલોડ, નોકરીની અનિશ્વિતતા, કામગીરી અંગેની અસ્પષ્ટતા, બિનજરૂરી રાજકીય દબાણ, વ્યકિતની જવાબદારી, પાવર ન હોવો, અંગત સંબંધો નબળા હોવા, આંતરિક દરિદ્રતા, નીચું સ્ટેટસ, નોકરીના સ્થળની વર્કિંગ કન્ડિશન્સ અને નફા ન થવો, વગેરેનો સમાવેશ કરાયો હતો.

આ સ્ટડીમાં અન્ય ત્રણ વ્યવસાયો- બેંક કલર્કો, ટ્રાફિક પોલીસો અને નર્સોનો સમાવેશ કરાયો હતો. તેમાં પણ જણાયું કે, આ લોકો પણ માનસિક તાણ હેઠળ કામ કરી રહ્યા છે, પણ તેમાં તેની તીવ્રતા ઓછી અને નિયંત્રિત પ્રમાણમાં હતી. ડો. રાજુએ જણાવ્યું કે, 'કેવું કામ થઈ રહ્યું છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કામ કેવી રીતે થયું, કોણે કર્યું અને કયાં તેઓ નિષ્ફળ રહ્યા- આ દરેક બાબત પર બારીકાઈથી નજર રાખવામાં આવે છે. સીનિયર અધિકારીઓ કામને જુનિયર તરફ ધકેલી દે છે અને જુનિયરના હાથ નીચે એવું કોઈ નથી હોતું જેની તરફ તેઓ પોતાના કામને ધકેલી શકે. એટલે, અમે તેમની સ્ટડી કરવાનું નક્કી કર્યું.'

અમદાવાદના શાહીબાગ વિસ્તારની મ્યુનિસિપલ સ્કૂલના ધોરણ ૫નાં શિક્ષકે જણાવ્યું કે, 'વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે, પણ વર્કલોડ ઘટતો નથી. ટીચર્સ ટ્રેનિંગ, વસ્તી ગણતરી, ચૂંટણીને લગતી કામગીરી કે પછી કાંકરિયા કાર્નિવલ અને પતંગ મહોત્સવમાં ફરજિયાત હાજરી, જેવી કામગીરી તો કરવાની જ હોય છે.'

અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ એસોસિએશનના ચેરપર્સન નરેન્દ્ર ગોહેલનું માનવું છે કે, શિક્ષકો ત્યારે જ તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બતાવી શકે કે જયારે તેઓ ખુશ અને તાણ મુકત હોય. ગોહેલે જણાવ્યું કે, 'વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી ભરવાનું ફરજિયાત કરી દેવાયું છે, પણ મોટાભાગના સમયે સર્વર ઠપ રહે છે. વળી, ઉચ્ચ અધિકારીઓ ઓનલાઈન ડેટાની માંગ કરતા રહે છે. જેના કારણે બિનજરૂરી માનસિક દબાણ ઊભું થાય છે.'

ભાડજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સિપલ વૈશાલી પરિખએ જણાવ્યું કે, શિક્ષકનું કામ ઘણી શકિત, સખત મહેનત અને સમર્પણ માંગી લે છે. તેમણે કહ્યું કે, 'વિદ્યાર્થીઓને પ્રેમ, હૂંફ અને તેમના પર ધ્યાન આપવું પણ જરૂરી છે. ઉપરાંત અભ્યાસક્રમ પૂરો કરવાનું દબાણ પણ માનિસિક તાણનું એક કારણ છે.'

સંસ્કારધામના એકેડેમિક ડાયરેકટર હિરેન પરિખનું માનવું છે કે, સહકર્મીઓમાં એકબીજા સાથેની સ્પર્ધા પણ માનિસક તાણનું એક કારણ છે. એ જ બાબત આંગણવાડી કાર્યકારો પર લાગુ પડે છે. તેમણે જણાવ્યું કે, 'અમને બાળકો સાથે મજા આવે છે. પણ, તાજેતરમાં અમને રવિવારે સ્વચ્છ ભારત મિશન માટે કામ કરવા અને ૧૨ સોસાયટીની મુલાકાત લઈ ત્યાંના લોકોને સ્વચ્છતા રાખવા સમજાવવા કહેવાયું હતું. શું આ અમારું કામ છે?'

ગુજરાત નર્સિસ યુનિયન સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સભ્ય દેવી પરમારને એક સારા વ્યવસાયનો ભાગ હોવાનું ગર્વ છે, પણ માનિસક તાણ આપવામાં આવે છે. દેવીએ કહ્યું કે, 'અમારે ત્યાં પણ વ્યસ્ત વર્કિંગ કન્ડિશન્સ છે. અમારે દર્દીઓની દવાઓ, ઈન્જેકશન્સનો રેકોર્ડ રાખવાનો હોય છે, દર્દીઓનું ધ્યાન રાખવાનું હોય છે અને બાયો-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે. અમારાથી બનતું શ્રેષ્ઠ કરવા છતાં દર્દીઓ અમારી કામગીરીથી ખુશ નથી હોતા.'

એ જ રીતે બેંક કલર્કસની વાત કરીએ તો તેમને ફિલ્ડ વિઝિટ્સ કરવાની હોય છે અને માસિક ટાર્ગેટને પહોંચી વળવા વધારેમાં વધારે ગ્રાહકો લાવવાનું તેમના પર દબાણ હોય છે. ટ્રાફિક પોલીસ સતત ઊભા પગે રહે છે. ગમે ત્યારે વીઆઈવીના બંદોબસ્તમાં જવાનું કહેવામાં આવે છે અને તેમની પાસે કોઈ વિકલ્પ પણ નથી હોતો. તેમને દરેક સમયે ફરજ બજાવવા તૈયાર રહેવું પડે છે.

ડો. રાજુએ વધુમાં જણાવ્યું કે, 'કામની સ્પષ્ટતા હોવી જરૂરી છે. શિક્ષણ અને યોગ્યતા મુજબ કામની વહેંચણી કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે.'

(9:36 am IST)