Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

પથારીઓને લઇને બજેટમાં ગંભીર વિવાદ સામે આવ્યો

૧૧૫૫ પથારીઓના બદલે ૫૦૦નું બજેટ કેમ : કોંગ્રેસ આવનારા દિવસોમાં પથારીઓ ઘટાડવા માટેના શાસક પક્ષના નિર્ણય સામે ઉગ્ર વિરોધ આંદોલન છેડશે

અમદાવાદ,તા.૨૯ : આજરોજ ૨૦૧૯-૨૦ના વર્ષ માટે વીએસ હોસ્પિટલના મંજૂર થયેલા કુલ રૂ.૨૩૧.૩૬ કરોડના બજેટમાં બહુ ગંભીર વિવાદ સામે આવ્યો હતો. વીએસ હોસ્પિટલની ઓરીજનલ ૧૧૫૫ પથારીઓની સેવા યથાવત્ રાખવા કોંગ્રેસની ઉગ્ર માંગ અને ખુદ સત્તાવાળાઓ દ્વારા આ પથારીઓમાં કોઇ ઘટાડો નહી કરાય તેવા કરાયેલા દાવાઓ છતાં મેયર શ્રીમતી બીજલબહેન પટેલ દ્વારા આજે વી.એસ.હોસ્પિટલનું બજેટ ૫૦૦ પથારીઓ માટે રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વી.એસ.હોસ્પિટલ વ્યવસ્થાપક મંડળનું જૂઠ્ઠાણું સામે આવી ગયુ હતુ, જેને લઇ હવે ભારે વિવાદ સર્જાયો છે. વીએસની પથારીઓ ૧૧૫૫ના બદલે ૫૦૦ પથારીઓ આધારિત બજેટ કરી દેવાતાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આવનારા દિવસોમાં આ સમગ્ર મામલે ઉગ્ર વિરોધ આંદોલન છેડે તેવી શકયતા છે. અગાઉ ખુદ વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા તા.૧૦મી જાન્યુઆરીએ વીએસની ૧૧૫૫ પથારીઓ માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, સુધારા બજેટમાં તા.૧૭-૧૨-૨૦૧૮ ના રોજ ૫૦૦ પથારીનો ઠરાવ કરાયોનો ઉલ્લેખ થયો હતો. જો ડિસેમ્બરમાં જ ૫૦૦ પથારીઓનો નિર્ણય લેવાઇ ગયો હતો તો પછી જાન્યુઆરીના ડ્રાફટ બજેટમાં ૧૧૫૫ પથારીઓનો ઉલ્લેખ શા માટે કરાયો ?૫૦૦ પથારીઓના ઠરાવ બાદ પણ ડ્રાફ્ટ બજેટ ૧૧૫૫ પથારીઓનું શા માટે રજૂ કરવામાં આવ્યું તે સહિતના ગંભીર સવાલો હવે ઉઠી રહ્યા છે અને તેને લઇ હવે બહુ મોટો વિવાદ સર્જાયો છે. દરમ્યાન અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા બક્ષીએ વી.એસ.ના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની પથારીઓની સેવામાં ઘટાડો કરવાના સત્તાવાળાઓના નિર્ણયને ઉગ્ર શબ્દોમાં વખોડયો હતો અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ સમગ્ર મામલે ઉગ્ર આંદોલન કરશે અને જરૂરિયાતમંદ દર્દીના ન્યાય માટે છેક સુધી લડત આપશે.

 

(7:49 pm IST)