Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

નગરપાલિકા ચૂંટણીમાં જીતવા માટેનો પરેશ ધાનાણીનો હુંકાર

સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ : નર્મદાનું પાણી લોકોને ન મળે તો, કોંગ્રેસ આંદોલન કરતા ખચકાશે નહી : ભરતસિંહ સોલંકી દ્વારા અપાયેલ ચેતવણી

અમદાવાદ,તા. ૩૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉત્કૃષ્ટ દેખાવ બાદ હવે કોંગ્રેસ નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ ભવ્ય જીત મેળવશે એવો હુંકાર આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક આજે રાજકોટ ખાતે યોજાઇ હતી, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપરાંત સૌરાષ્ટ્રના કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા કે, ભ્રમિત અને ભ્રષ્ટાચારી ભાજપથી લોકો થાકયા છે. નગરપાલિકાઓની આગામી ચૂંટણીઓમાં પણ ગુજરાતની પ્રજા ભાજપના ભ્રષ્ટ કુશાસનને જાકારો આપશે. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ેસૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહી હતી. વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાએ કોંગ્રેસના પંજાને સહર્ષ સ્વીકાર્યો છે અને ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા છે, તે જ રીતે નગરપાલિકાઓની ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસની જ જીત થવાની છે તે નક્કી છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જયુબીલી બાગ પાસે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી સૂતરની આંટી પહેરાવી હતી અને બાપુને નમન કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગુજરાતના ખેડૂતો નર્મદાના પાણીથી હજુ પણ વંચિત રહ્યા છે તે વાતને લઇ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપ તેના પ્લાનીંગમાં નિષ્ફળ નીવડી છે, તેના એકપણ વાયદા સાચા અર્થમાં પરિપૂર્ણ થયા નથી અને આમ કરીને ભાજપે ગુજરાતની જનતાને છેતરી છે. ખાસ કરીને નર્મદાના મુદ્દે ખેડૂતોને તેમના ખતરો સુધી પાણી પહોંચાડવાના જે વચનો આપ્યા હતા, તે ઠાલા સાબિત થયા છે અને આજે પણ ખેડૂતો પાણીની રાહ જોતા બેઠા છે. જો ખેડૂતોને નર્મદાનું પાણી નહી મળે તો, આગામી દિવસોમાં કોંગ્રેસ સમગ્ર મામલે ઉગ્ર આંદોલન કરતા અચકાશે નહી.

બીજીબાજુ, પાટણ તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ દ્વારા ભડકાઉ નિવેદન કરાયા હતા કે, જો પ્રજાને પાણી નહી આપો તો, પ્રજા બધુ સળગાવી દેશે. આ નિવેદન બાદ મચેલા વિવાદ બાદ કોંગ્રેસ ડિફેન્સમાં આવી ગઇ હતી અને પ્રદેશ પ્રમુખ સોલંકીએ જણાવ્યું હતું કે, આવા નિવેદનો થયા છે કે કેમ તેની તપાસ કરી આગળનો નિર્ણય કરીશું.

 

(8:33 pm IST)