Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌(SGVP) દ્વારા

શહિદ જવાનોના સંતાનોને વિદ્યાસહાય અર્પણ

અમદાવાદ તા.૩૦ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌SGVPના પ્રાંગણમાં પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં ૬૯ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ધ્વજવંદનની સાથે સાથે બાળકો દ્વારા દેશ ભક્તિના નૃત્યો, અંગ્રેજી, સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં પ્રવચન તથા પરેડ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

            પ્રજાસત્તાક પર્વે  કેટલાંય વર્ષોથી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પાનુસાર  શહિદ પરિવારના દીકરા-દીકરીઓને સંસ્થા દ્વારા વિદ્યાસહાય અર્પણ કરવામાં આવે છે. જે લોકોએ દેશના રક્ષણ માટે પોતાના જીવના બલિદાન આપ્યા છે એવા જવાનોના સમર્પણને યાદ કરી ભગવાનના પ્રસાદ સ્વરૂપે આ સહાય અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ દીકરાઓને સંતોના હસ્તે તથા દીકરીઓને અન્ય મમહાનુભાવો બહેનોના હસ્તે વિદ્યાસહાય અર્પણ કરાઇ ત્યારે ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી આ પ્રસંગને વધાવી લીધો હતો.

            આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, દેશને અર્થે પોતાના સર્વસ્વનું બલિદાન કરનારા દેશના રક્ષકોને યાદ કરવા એ આપણી બધાની ફરજ છે. આપણે સરહદ ઉપર લડવા તો નથી જઇ શકતા, પરંતુ જે પરિવારે પોતાના સંતોનો દેશને અર્પણ કર્યા છે એવા પરિવારને યાદ કરવા તથા એમને મદદરૂપ થવું એ આપણી સહુની જવાબદારી બની રહે છે.

(1:02 pm IST)