Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભરૂચ સાંસદ મનસુખ વસાવાના રાજીનામા બાદ ભાજપમાં ભડકો, સાગબારાના પ્રમુખ સહિત 27 નેતાઓએ પાર્ટી છોડી

મનસુખ વસાવાના સમર્થનમાં રાજીનામાંથી રાજકીય ગરમાવો

ભરૂચથી  સાંસદ મનસુખ વસાવાના રાજીનામા બાદ જિલ્લાના કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા છે. 27 જેટલા લોકોએ મનસુખ વસાવાના સમર્થનમાં રાજીનામાં આપ્યા છે. ભાજપના સાગબારાના પ્રમુખ, મહામંત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે બપોરના સમયે સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામુ આપતો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખને મોકલી આપ્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ રાજ્યભરમાં જામ્યો છે. જોકે આ ચૂંટણીના માહોલ વચ્ચે આજે ભાજપ સાંસદના પાર્ટીમાંથી રાજીનામુ આપવાની જાહેરાતથી રાજકીય ગરમાવો જોવા મળ્યો. પાંચ પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ ભાજપ પ્રમુખને રાજીનામુ પત્ર મોકલતા ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો.

મનસુખ વસાવાના રાજીનામા પત્રથીતાબડતોબ બેઠકો ગોઠવાઈ અને સી.આર. પાટીલે સીએમ સાથે તત્કાળ બેઠક કરી હતી અને મનસુખ વસાવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. ભાજપ સાંસદ મનસુખ વસાવા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના દિગ્ગજ અને નિષ્કલંક નેતા છે. પાંચ ટર્મથી ભરૂચ બેઠક પર ચૂંટાતા આવ્યા છે..જોકે તેઓ આદિવાસીઓના હદ્દ માટે સતત અવાજ ઉઠાવતા આવ્યા છે.

(12:29 am IST)