Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મ્યુનિસિપાલિટીઝ પોતાની સંપત્તિ ઉપર સૌર ઉર્જા ઉત્પાદન કરે અને વપરાશ બાદ વધેલી વીજળી વેચી આવકના સ્ત્રોત ઊભા કરે

મુખ્યમંત્રી રૂપાણીએ 16 નગરપાલિકાઓમાં 28 જેટલા સ્યુએજ ટ્રીટમેંટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇ-ખાતમુહૂર્ત કર્યા

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આત્મનિર્ભર નગર સેવાની ગુજરાતની પહેલરૂપે રાજ્યની 16 નગરપાલિકાઓમાં 28 જેટલા સ્યુએજ ટ્રીટમેંટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇ-ખાતમુહૂર્ત કર્યા છે.

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની સુરેન્દ્રનગર, વલસાડ અને ગોધરામાં તૈયાર થયેલા કુલ 103.26 કરોડના S.T.P. ના લોકાર્પણ તથા 18 નગરપાલિકાઓના બહુવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તના પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજપીપળા નગરની 17.77 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું

વિજયભાઈ  રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના તમામ નગરો S.T.P. – W.T.P. યુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, નલ સે જલ સ્વરૂપે મળે, ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં નગર સત્તામંડળો આગળ વધે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે જારી કરેલી નવી ઐતિહાસિક સોલાર પોલિસીમાં સ્વાયત અને સ્થાનિક સ્તરે સૌર ઊર્જા વીજ વપરાશને વ્યાપક પ્રોત્સાહક જોગવાઈઓ આપી છે તેની વિષદ ભૂમિકા આપી હતી. અને રાજ્યની નગરપાલિકાઓને આહવાન કર્યું કે, મ્યુનિસિપાલિટીઝ પોતાની સંપત્તિ ઉપર સૌર ઉર્જા ઉત્પાદન કરે અને પોતાના વપરાશ બાદ વધેલી વીજળી વેચીને આવકના સ્ત્રોત ઊભા કરે.

ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નગરોમાં વિકાસ કામો, પાણી જેવી પાયાની સુવિધાના કામો, ડ્રેનેજના કામો માટે કોઈ આયોજન ન હતું. લોકોને શુદ્ધ પાણી ન મળતું અને નગરોમાં ડ્રેનેજના અભાવે મેલેરિયા સહિતનો રોગચાળો પણ ફેલાતો

મુખ્યમંત્રીએ 16 નગરપાલિકાઓમાં 22 જેટલા એસ.ટી.પી. ડબલ્યુ.ટી.પી. માટે સોલાર એનર્જી પાવર પ્લાન્ટના ખાતમુહૂર્ત કર્યા તેનાથી વાર્ષિક રૂ.4 કરોડથી વધુની વીજળીની બચત થશે. નગરોમાં સૌર આધારિત વીજળી ઉત્પાદનથી આવક ના સ્ત્રોત નગરપાલિકાઓ ઊભા કરીને ગુજરાત દેશને નવો વિકાસ રાહ બતાવશે અને પ્રાથમિક સુવિધા સાથે આધુનિકતાના સમન્વયથી ગુજરાતના શહેરો સ્માર્ટ સિટીઝ બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી. Vijay Rupani News

આ વેળાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ કે. સી. પટેલ, દેવસિંહ ચૌહાણ, મિતેશ પટેલ, પ્રભુ વસાવા તથા ધારાસભ્યો ભવાન પટેલ, સી.કે. રાઉલજી, રાજેન્દ્રસિંહ વગેરે કાર્યક્રમ સ્થળેથી સહભાગી થયા હતા.

શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી, કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, જી.યુ.ડી.સી.ના એમ.ડી. લોચન શહેરા તથા નિયામક હાર્દિક શાહ વગેરે ગાંધીનગરથી જોડાયા હતા.

(10:11 pm IST)