Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભાજપના નેતાના લગ્નમાં કોરોના માર્ગદર્શિકાનાં ધજાગરાં

ભાજપના નેતાઓને કાયદાઓના ભંગ માટેનો પરવાનો : પ્રસંગનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેતન વાઢુ સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધી આઠની ધરપકડ કરી

સુરત, તા. ૨૯ : તાજેતરમાં સોનગઢ ખાતે ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામીત દ્વારા યોજવામાં આવેલી પૌત્રીની સગાઇમાં ૫૦૦૦થી વધુ લોકોને ભેગા કરીને કોરોના માટે રાજ્ય સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઈનના લિરે લિરા ઉડાવી પ્રસંગ કરવાની ઘટના બાદ ફરી એક વાર વલસાડ જિલ્લાના ધરમપુરના તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટર્ન્સિંગના ધજાગરા ઉડાવી લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા રવિવારે રાત્રીના વલસાડ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ભાજપના તાલુકા પ્રમુખ કેતન વાઢુ સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધી ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર તરફથી સતત કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા પણ માસ્કના નામે અને જાહેરનામા ભંગના કિસ્સામાં દંડ ફટકારવામાં આવે છે. ત્યારે ભાજપના નેતાઓને જાણે લાયસન્સ મળ્યું હોય તેમ ખુલ્લે આમ પાર્ટીઓ તેમજ લગ્ન પ્રસંગોમાં સોશ્યલ ડિસ્ટન્સ કે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કર્યા વગર મનફાવે તેમ વર્તી રહ્યા છે. ભાજપના નેતાના લગ્નની ડીજે પાર્ટીમાં હજારો લોકો બેશરમ બનીને નાચી રહ્યાં હોવાનું વાયરલ વીડિયોમાં  સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે આ વીડિયો ફરતો થયા બાદ એક્શનમાં આવેલી વલસાડ પોલીસ દ્વારા રવિવારે રાત્રીના કાર્યવાહી કરવામાં આવી હતી અને ૧૧ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અને બાદમાં ૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

૨૬મી ડિસેમ્બરના ધરમપુરમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવિંદ વાઢુંએ દીકરા કેતન વાઢું કે જેઓ તાલુકા ભાજપ પ્રમુખ છે તેના લગ્ન અને પોતાના ભાઈના દીકરાના લગ્ન હોવાથી તેમણે ઓર્કેસ્ટ્રા પાર્ટીનું આયોજન કર્યું હતું. આ લગ્નની ઓનલાઇન નોંધણી કરાવી હતી. પરંતુ ત્યાંથી પોલીસને વિડીયો અને ફોટોગ્રાફ્સ દ્વારા માહિતી મળી હતી કે સ્થળ ઉપર  ૧૦૦  કરતા વધુ લોકો ભેગા થયા છે અને તેમણે માસ્ક પહેર્યા નથી. ધરમપુર પોલીસે સ્થળે ઉપરથી ટોળા વિખેરવાની કાર્યવાહી કરી હતી. અને રાત્રે જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(9:48 pm IST)