Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ફેસબુક પર સ્વરૂપવાન વિદેશી યુવતીઓનું ફેક ID બનાવી છેતરતી ગેંગ ઝડપાઇ

“વિદેશી યુવતી” નો ફોટો અને નામ મૂકી અમદાવાદી આધેડને ઠગનાર ગેંગના નાઇઝીરિયા અને મણીપૂરના યુવક સહિત ત્રણ આરોપીની સાયબર સેલએ ધરપકડ કરી

ફેસબુક ઉપર સ્વરૂપવાન “વિદેશી યુવતી” નો ફોટો અને નામ મૂકી અમદાવાદી આધેડને ઠગનાર ગેંગના નાઇઝીરિયા અને મણીપૂરના યુવક સહિત ત્રણ આરોપીની સાયબર સેલએ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ અનેક લોકોને ગિફ્ટ પાર્સલ મોકલી ઠગાઈ આચરી છે. આ અંગે ભોગ બનનાર લોકોની તપાસ થઈ રહી છે.

 ફેસબુક પર સ્વરૂપવાન વિદેશી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતાં અમદાવાદી આધેડએ સામે યુવતી હોવાનું સમજી રિકવેસ્ટ સ્વીકારી હતી. બાદમાં વિદેશી સાથે ચેટીંગ શરૂ કર્યું હતું. ઈંગ્લેન્ડની શિપીંગ કંપનીમાં કેપ્ટન હોવાનું જણાવી મહિલાએ તમારા માટે જ્વેલરી, મોંઘી ઘડિયાળ, મોબાઈલ, લેપટોપ જેવી ગિફ્ટ મોકલાવી રહી હોવાનું અમદાવાદીને જણાવ્યું હતું. બાદમાં આરોપીઓએ ગિફ્ટ પાર્સલ છોડાવવા પેટે સરકારી વિભાગોના અધિકારી તરીકે ખોટી ઓળખો આપી ડ્યૂટી અને ટેક્સ રૂ. 31.44 લાખની રકમ જુદા જુદા બેંક એકાઉન્ટમાં ભરાવી હતી. આ રીતે અમદાવાદી આધેડ સાથે છેતરપિંડી કરી હતી

આ અંગે દશરથ પટેલની ફરિયાદના આધારે સાઈબર ક્રાઈમ સેલએ ગુનો નોંધી તપાસના અંતે દિલ્હીથી નાઈઝિરીયન નાગરિકત્વ ધરાવતા એક તથા મણીપુરના બે મળી કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં દિલ્હી ખાતે રહેતા 32 વર્ષીય ઉડેચુકવુ ઈયુગેને ઓન્યેબુચી અને મણિપુરના બે યુવક માંગખોલુંન ખોથાંગ હાઉકીપ (ઉં,21) અને હેંખોલમ પાસોઈ હમાર (ઉં,24)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઈલ, જુદી જુદી બેંકના કાર્ડ, પાસબુક, ચેકબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધારકાર્ડ તથા પાનકાર્ડ કબજે કર્યા છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ વ્યક્તિ સાથે કરવામાં આવતી ઠગાઈની રકમ મણિપુરના યુવાકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. તે પછી ત્રણે પૈસાની વહેંચણી કરી લેતા હતાં. ગેંગમાં સામેલ કેસી નામનો શખ્સ ફેસબૂક પર શિકાર શોધતો હતો. આ આરોપીઓએ અન્ય કેટલા લોકોને છેતર્યા છે તથા ભોગ બનનારને કસ્ટમ અધિકારી તરીકે ફોન કરનાર મહિલા કોણ હતી તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:06 pm IST)