Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

આમીરખાને પ્રતિબંધિત વિસ્તારમાં જઈને સિંહ દર્શન કર્યા : કાર્યવાહી કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર

આમિર ખાનના રૂટ પર 13 જેટલા સિંહ, સિંહણને રાખવા માટે રેડિયો કોલરથી તેમને બંદીવાન બનાવાયા !: સુઓ મોટો અરજી લેવા રજુઆત

અમદાવાદ :બૉલીવુડ અભિનેતા આમિર ખાન અને તેમના પત્ની કિરણ રાવે સહિત પરિવારના સભ્યોએ હાલમાં જ ગીરની મુલાકાત લઈ સિંહ દર્શન કર્યા છે, ત્યારે પોરબંદર જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડનના સભ્ય ભાનું ઓડેદરા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને પત્ર લખી માંગ કરી છે કે આમિર ખાન અને તેમના પરિવારે જંગલના અમુક પ્રતિબંધિત વિસ્તારમાં જઈ સિંહ દર્શન કર્યા બાબતે સુઓ મોટો અરજી લેવા રજુઆત કરી હતી.

 ભાનું ઓડેદરા તરફે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આમિર ખાનના રૂટ પર 13 જેટલા સિંહ, સિંહણને રાખવા માટે રેડિયો કોલરથી તેમને બંદીવાન બનાવવામાં આવ્યા હતાં. સંસાણ ગીરમાં મોટી સંખ્યમાં સેલિબ્રિટી આવતા હોવાથી સિંહોને આવી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તંત્ર કલેકટર,ડેપ્યુટી કલેકટર, ન્યાયાધીશ, જિલ્લા પોલીસ વડા અને રાજનેતાઓ સહિતના વ્યક્તિઓના સ્વાગતમાં રહે છે અને તેનાથી વનયસૃષ્ટિને નુકસાન થાય છે. આ મુદ્દે સુઓ મોટો અરજી લેવાની માંગ કરી હતી. 

 પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમીર ખાન અને તેની સાથે 50 જેટલા લોકોએ સવારથી સાંજ સુધી જંગલની અંદર અમુક પ્રતિબંધિત વિસ્તારમાં જઈ સિંહદર્શન કર્યું છે અને આ માટે સિંહ, સિંહણને બંદીવાન બનાવમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. 27મી ડિસેમ્બર નિમિતે આમિર ખાન અને તેમનો પરિવાર સાસણ ગીરની મુલાકાતે આવ્યા હતા.

 આમિર ખાન હાલ લાલસિંહ ચઢ્ઢા ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના તહેવારમાં આવી શકે છે. લાલસિંહ ચઢ્ઢા હોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે અને ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. લાલસિંહ ચઢ્ઢામાં આમિર સિવાય કરીના કપૂર ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાન ગેસ્ટ અપિયરન્સમાં જોવા મળશે

(6:21 pm IST)