Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગાંધીનગર મહાનગરપાલિકામાં પાંચ સ્થળો ખાતે કોરોના વેક્સિનેશન માટે ડ્રાય રન ટેસ્ટ યોજાયો

સેકટર-ર અર્બન હેલ્થ કેર ખાતે યોજાયેલ ડ્રાય રન ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા અંગેની મેયર અને કમિશનરે રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી

ગાંધીનગર:ગાંધીનગર શહેરમાં આજે કોરોના વેક્સિનેશન માટે ડ્રાય રન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નક્કી કરવામાં આવેલ પાંચ સ્થળો ખાતે ડ્રાય રન ટેસ્ટ યોજાયો હતો. ડ્રાય રન ટેસ્ટમાં ૧૨૫ લાભાર્થીઓને અલગ અલગ સ્થળે રસી માટે બોલાવવામાં આવ્યા હતા.આ ડ્રાય રન થકી વેક્સિનેશન માટે જરૂરી તમામ બાબતો પર બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના સેકટર – ર ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં ડ્રાય રન ટેસ્ટની ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ અને કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણે મુલાકાત લીધી હતી.
   સેકટર – ર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત ગુજરાત રાજયના ઇમ્યુનાઇઝેશન ઓફિસર  ર્ડા. નયન જાનીએ જણાવ્યું હતું કે, ગઇકાલે કોરોના વેક્સિનેશનના લાભાર્થીઓને મેસેજ કરીને તેમને આજે આવવા માટેની જાણ કરી હતી. જેમાં સેકટર- ૨ ખાતેના અર્બન હેલ્થ સેન્ટર ખાતે તમામ લાભાર્થીઓ સમયસર આવી ગયા હતા. તે પછી તેમની ખાતરી કરીને તેમને સોશ્યિલ ડિસ્ટન્સીંગમાં  ઉભા રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પછી આવેલા તમામ લાભાર્થીઓને વેક્સિનેશન વેઇટિંગ રુમમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને કોરોના અંગેની વેક્સિન આપવામાં આવી રહી હતી. તે રૂમમાં એકબાદ એક લઇ જવામાં આવ્યા હતાં તેમને વેક્સિન અંગેની સમજ આપવામાં આવી હતી. આ દરમ્યાન વેક્સિન રૂમમાં જરૂરી મેડિકલ માટેના સાધનો – સુવિધાઓ યોગ્ય રીતે ગોઠવાઇ છે કે નહિ, તેનું પણ બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
   વેક્સિન રૂમમાં લઇ ગયેલા તમામ લાભાર્થીઓને વેક્સિન આપ્યા બાદ એક અલગ રૂમમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યા તેમને અડધો કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. તેમનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું. આ કાઉન્સિલ દરમ્યાન તેમને કોરોના રસી લેવાથી આપને અને આપના પરિવારને શું ફાયદો થાય છે, વેકસિન લીધા બાદ આપને કેવું લાગે છે. તેમના મતે આ વેક્સિન અંગે અને સુવિધા અંગે અભિપ્રાય મેળવવામાં આવશ તે ઉપરાંત વેક્સિનેશન સફળતા પૂર્વક થઇ ગયું છે તેવો પણ તેમને એક મેસેજ મોકલવામાં આવશે.
   ર્ડા. જાનીએ વધુમાં કહ્યું હતું કે, વેકસિનેશન માટેનો મેસેજ મળ્યો હોય તે લાભાર્થી કોઇ કારણોસર વેક્સિન લેવા ન આવી શકે તો તેને તેના પછીના રાઉન્ડમાં આવવા માટેનો મેસેજ ફરથી મોકલવામાં આવશે. તે દિવસે તેમણે આવવાનું રહેશે.
   ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ર્ડા. કલ્પેશ ગોસ્વામીએ વેક્સિનેશન અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આજે પાંચ સ્થળોએ વેક્સિનેશન માટેની ડ્રાઇ રન યોજાવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર, સેકટર- ૨ અર્બન હેલ્થ સેન્ટર, હાઇટેક હોસ્પિટલ, ઇન્દ્રોડા અને સેકટર- ૨૪ પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યા પર રપ – ર૫ લાભાર્થી મળી કુલ ૧૨૫ લાભાર્થીઓને આજે ડ્રાઇ રન માટે બોલવવામાં આવ્યા હતા.
   ર્ડા. ગોસ્વામીએ ઉમેર્યુ હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફ્રન્ટ લાઇનના વોરિયર્સ ૧૮૨૪ છે. તેમજ હેલ્થ કેર ૪,૨૮૬ વોરિયર્સ છે. તે ઉપરાંત ૫૦ વર્ષથી ઉપરના ૪૧,૨૮૭ લાભાર્થીઓની વિગતો ઉપલબ્ઘ છે. તેની સાથે પ૦ વર્ષથી નાના હોય પણ કો-મોર્બિડ  હોય તેવા ૨૪૮૩ વ્યક્તિઓની વિગતો ઉપલબ્ધ છે.
   ડ્રાઇ રન ચાલતું હતું તે સમય દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ અને કમિશનર ર્ડા. રતનકંવર ગઢવીચારણે સેકટર- ર અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં બોલવવામાં આવેલા લાભાર્થીઓ અને મેડિકલ સુવિધાઓની માહિતી મેળવી હતી. તેમજ સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી.

(6:09 pm IST)