Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વડોદરામાં રાત્રી કર્ફ્યુ દરમ્યાન ધાબા પર જુગાર રમતા 6 શકુનિઓને પોલીસે ઝડપી 68 હજારની મતા જપ્ત કરી

વડોદરા: શહેરમાં કોવિડ 19 અંતર્ગત શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે ત્યારે નાગરવાડા વિસ્તારમાં રાત્રે 11:00 વાગ્યે મકાનના ધાબે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે સંચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 68,000 ઉપરાંતની મત્તા કબજે કરી તમામ જુગારીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી  હતી.

કારેલીબાગ પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, નાગરવાડા નવીધરતી કાઠીયાવાડી ચાલીમાં રહેતો જીતુભાઈ ભગાભાઈ મારૂ તેના મકાનના ધાબા ઉપર કેટલાક વ્યક્તિને બોલાવી જુગાર રમાડી રહ્યો છે.

જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા હિતેશ માળી (રહે સ્વાતિ સોસાયટી ,સમા) મનીષ બારોટ (રહે- બારોટ મહોલ્લો ,સલાટવાડા) ધર્મેશ ખુમાણ, યોગેશ બારીયા ( બંન્ને રહે- કાઠીયાવાડી ચાલી, નાગરવાડા), જુબેર મેમણ ( રહે- આયશા એપાર્ટમેન્ટ, બાવામાનપુરા ), જીગ્નેશ ઠક્કર ( રહે - રણમુકતેશ્વર સોસાયટી, પ્રતાપ નગર) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગાર રમાડનાર જીતુ મારૂ ( રહે- કાઠીયાવાડી ચાલી, નાગરવાડા) ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:36 pm IST)