Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અમદાવાદની પાલડીમાં શ્વાનને માર મારીને પગ ઉપર સ્કૂટર ફેરવી દેનાર માર્કંડ પંડિત વિરૂદ્ધ પોલીસ ફરિયાદઃ નમસ્તે ફાઉન્ડેશના મહિલા સંચાલકને ધમકી દીધી હતી

અમદાવાદ: પાલડીની રંગવિહાર સોસાયટીમાં શેરી કૂતરાને લાકડીથી મારમારતા અને એક્ટિવા પગ પર ફેરવી દેનાર શખ્સના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. ફૂટેજ જોઈ નમસ્તે ફાઉન્ડેશનના મહિલા સંચાલક શેરી કૂતરાને મારમારતા શખ્સને સમજાવવા ગયા તો આરોપીએ ધાકધમકી આપી હતી. બનાવ અંગે પાલડી પોલીસે આરોપી વિરુધ્ધ સોમવારે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પાલડીના શાંતિવન પાસે અંકુર ફ્લેટમાં રહેતાં દીપાબહેન રમેશભાઈ જોશી નમસ્તે ફાઉન્ડેશન નામથી યોગા કન્સલ્ટન્સી અને પ્રાણી વેલ્ફેર સંસ્થા ચલાવે છે. દીપાબહેનની સંસ્થા પ્રાણીઓને બચાવવાની, સારવાર કરાવવાની અને તેઓ પર થતા અત્યાચાર રોકવાનું કામ કરે છે.

દીપાબહેનએ પાલડી પોલીસ સ્ટેશનમાં માર્કંડ લક્ષ્મીકાંત પંડીત વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ગત એપ્રિલ માસમાં માર્કંડએ તેની રંગવિહાર સોસાયટીના શેરી કૂતરાને લાકડીથી મારમર્યાના સીસીટીવી ફૂટેજ દીપાબહેનને સોસાયટીના રહીશ પીયૂષભાઈ ડબગરે મોકલ્યા હતા.

આ અંગે દીપાબહેનએ માર્કંડભાઈએ મળી આવું ન કરવા સમજાવ્યા હતા. દરમિયાન ગત તા.23-12-2020ના રોજ માર્કંડએ સોસાયટીના શેરી કૂતરા પર એક્ટિવા ચઢાવી દીધા તેવો વીડિયો દીપાબહેન પાસે આવ્યો હતો.આ અંગે દીપાબહેનએ તપાસ કરતા કુતરાના પાછળના પગે ગંભીર ઈજા થઈ અને પગ નકામો થઈ ગયો હતો.

દીપાબહેન આ અંગે ફરી માર્કડભાઈને સમજાવવા માટે ગયા હતા. તે દરમિયાન ઉશ્કેરાઈ જઈ માર્કંડભાઈએ દીપાબહેન સાથે ઝઘડો કર્યો હતો. ધમકી આપી હતી કે, હવે તમે મારી વાતમાં વચ્ચે પડ્યા તો તમને જોઈ લઈશ. બાદમાં આરોપીએ પીયૂષભાઈ અને તેમની પત્ની શિલ્પાબહેનને ધમકી આપી હતી.

(5:26 pm IST)