Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અમદાવાદમાં બાથરૂમમાં બાપ નગ્ન થઇને સગીર પુત્રીને પોતાની પીઠ અને છાતી ઉપર સાબુ ઘસવા મજબુર કરતોઃ પત્‍નીની પતિ સામે પોલીસ ફરિયાદઃ ધરપકડ

અમદાવાદ: ગોતાના વંદેમાતરમ રોડ પરના વૈભવી એપાર્ટમેન્ટમાં ભદ્ર સમાજની અભદ્ર ઘટના પ્રકાશમાં આવી છે. બાથરૂમમાં સ્નાન કરતો બાપ નગ્ન થઈ સગીર પુત્રીને પોતાની પીઠ અને છાતી પર સાબુ ઘસવા મજબૂર કરતો હતો. પિતાની હરક્તથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાતી પુત્રી ઈન્કાર કે આનાકાની કરે તો નરાધમ સગીરાને માર મારતો હતો. દારૂ પીને અવારનવાર આરોપી પત્નીને પણ મારઝૂડ કરતો હતો.

લગ્નના પહેલા મહિનાથી લઈ પત્નીને મારમારી પિયરમાંથી લાખો રૂપિયા દહેજ પેટે આરોપીએ લીધા હતા. લગ્નના 17 વર્ષ સુધી ત્રાસ સહન કરનાર પત્નીને હેવાનની ખરાબ નજર પુત્રી પર હોવાનો અંદાજ આવતાં સોલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ સોમવારે રાત્રે બે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પ્રોહોબિશનના ગુનામાં પકડ્યો છે.

શહેરના ગોતા વિસ્તારમાં રહેતી વિશાખા (નામ બદલ્યું છે)ના લગ્ન 2004માં સમાજના રીતરિવાજ મુજબ અક્ષય (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નના ત્રીજા દિવસે અક્ષયે પત્ની વિશાખા સાથે તકરાર કરી હતી. લગ્નના સાત દિવસ બાદ પતિની નોકરી સુરત હોવાથી દંપતી ભાડાના મકાનમાં રહેવા માટે ગયું હતું.

પતિએ દહેજની માંગણી કરી પિતા પાસેથી ફર્નિચર અને અન્ય સામાન લાવવાનું કહ્યું હતું. વિશાખાએ તેના પિતાને વાત કરતા તેઓએ બેડ, ડાઇનિંગ ટેબલ, સોફા, કબાટ, ફ્રીજ, વોશિંગ મશીન અને અન્ય સામાન તેઓ આપી ગયા હતા. તે પછી પણ પતિની કચકચ ચાલુ રહી અને રોજ રાત્રે દારૂ પી વિશાખાને મારમારતો હતો.

અક્ષયથી વિશાખાને દીકરીનો જન્મ થયો બાદ આણંદમાં અક્ષયને એક્ઝા લાઈફ ઈન્સ્યુરન્સ કંપની માં નોકરી મળતા ત્યાં રહેવા માટે ગયા હતા. તે પછી પણ પતિની મારઝૂડ ચાલુ રહી હતી. બાદમાં અમદાવાદ ખાતે પતિને મેક્ષ લાઈફ ન્યુયોર્ક લાઈફ કંપનીમાં નોકરી મળતા 2008માં અમદાવાદ સેટેલાઈટમાં રહેવા માટે આવ્યા હતાં.

ઘરની આર્થિક હાલત ખરાબ હોવાથી વિશાખાના પિતા ઘરખર્ચ આપતા અને અન્ય વસ્તુ પુરી પાડતા હતા. મેક્ષ લાઈફમાંથી અક્ષયની નોકરી છૂટી જતા તે જુદી જગ્યાએ નોકરી કરતો હતો. દરમિયાન પતિએ મકાન લેવાની વાત કરતા વિશાખાએ સંમતિ બતાવી હતી. ગોતા વંદેમાતરમ રોડ પર મકાન રૂ.1 લાખ ડાઉન પેમેન્ટ આપી બુક કરાવ્યું હતું. 2009માં આ ફ્લેટમાં રહેવા આવ્યા હતાં.

મકાનનું ફર્નિચર કરાવવા પતિ અક્ષયે દબાણ કરતા વિશાખાના પિતાએ લાખો રૂપિયા કર્યો હતો. આ મકાન પર પતિ અક્ષયે રૂ.26 લાખની લોન લીધી જેના હપ્તા ભરવા પતિએ દબાણ કરતા વિશાખાના પિતાએ એફડી તોડાવી રૂ.8 લાખ આપ્યા હતા. તે પછી પતિએ વિશાખા પાસે કારની માગણી શરૂ કરી હતી. નડિયાદ ખાતે અક્ષયની નોકરી હોય તે ત્યાં મકાન ભાડે રાખી રહેતો અને રવિવારે પત્ની વિશાખા અને પુત્રી જોડે રહેતો હતો. આ દરમિયાન કાર હોય તો અપડાઉનમાં સરળતા રહે તેમ કહી વિશાખાને તેના પિતાને કાર લઈ આપવા કહેવા દબાણ કરતો હતો.

વિશાખા પતિને કહેતી કે, મારા પિતાએ તમને મકાન માટે પૈસા આપ્યા તમારી પાછળ ઘણો ખર્ચ કર્યો હવે ક્યાંથી પૈસા આપે. ઉશ્કેરાયેલો અક્ષય પત્નીને મારમારતો હતો. વિશાખાના પિતાએ ડાઉન પેમેન્ટ ભરી હોન્ડા અમેઝ કાર અપાવી હપ્તા પણ પોતે ભરતા હતા.

તે પછી ફરી પતિ અક્ષયે મકાનની લોન માટે રૂ.7 લાખની માંગણી વિશાખાના પિતાએ તેમની પત્નીના દાગીના વેચી રૂ.7 લાખ આપ્યા હતા. તે પછી પણ પતિની મારઝૂડ અને કનડગત ચાલુ રહી હતી. દીકરી પણ મોટી થતા પિતાના અત્યાચારની સાક્ષી બની હતી.

અક્ષય પત્નીને મારમારી ઘરમાં થુકે અને પત્ની પાસે થુક ચટાવતો હતો. હેવાન બનેલા અક્ષયની નજર યુવાનીના ઉંબરે ઉભેલી સગીર પુત્રી પર પણ બગડી હતી. બાથરૂમમાં સ્નાન કરતો અક્ષય ક્યારેક સગીર પુત્રીને અંદર બોલાવતો હતો. નગ્ન થઈ પુત્રીને પોતાની પીઠ અને છાતી પર સાબુ લગાવવા મજબૂર કરતો હતો. આ બાબતે ઈન્કાર કરનાર પુત્રીને હેવાન પિતા મારમારતો હતો.

ગત રવિવારે સાંજે વિશાખા નોકરી પરથી ઘરે આવી ત્યારે દારૂ પી રહેલા પતિ અક્ષયે પત્નીને પોતાની પાસે બેસાડી હતી. તે પછી અક્ષય બેડરૂમ તરફ જતા પત્ની વિશાખા તેની પાછળ ગઈ હતી. અક્ષય નશામાં ધૂત થઈ બેફામ અપશબ્દો બોલતો હોવાથી માતા- પુત્રીએ ઘરની બહાર નીકળી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો.

પોલીસે બનાવને પગલે નશામાં ધૂત આરોપી અક્ષયની ધરપકડ કરી હતી. માતા-પુત્રીએ હેવાન બનેલા અક્ષયના અત્યાચારની વિગતોનું વર્ણન કરતા પોલીસે આરોપી વિરૂધ્ધ બે ફરિયાદો નોંધી કાર્યવાહી કરી હતી.

(4:28 pm IST)