Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પ્રકાશભાઈ શાહઃ 'રણજીતરામના સિપાહી હોવું એટલે' વિષે પ્રવચન

અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અમદાવાદમાં ૫૦માં અધિવેશન સાથે હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ મર્યાદીત સભ્યોની હાજરીમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાયેલો. જેમાં પ્રકાશ ન. શાહે પ્રમુખ પદ સંભાળ્યું. આ પ્રસંગે આપેલાં પ્રવચનને તેમણે 'રણજિતરામના સિપાહી હોવું એટલે' એવું શિર્ષક આપ્યું હતું.

તેમણે કહ્યું કે, રણજિતરામે અસ્મિતાની આબોહવા જગવી આન્વીના શમન અને શોધનની એક ભૂમિકા લીધી. એમના પૂર્વે દલપતરામ, ફાર્બસ, દુર્ગારામ, નર્મદ આદીએ સંસાર સુધારા ઉપરાંત રેનેસાંશાઈ સુપર સ્ટ્રકચરની આરંભિક કોશિશ કરી હતી. તમે વાંચકની અપેક્ષાએ લખો છો એટલા સિમિત અર્થમાં જ સામાજિક પ્રવૃત્તિ નથી. ગોવર્ધનરામે પ્રવૃતિ પારાયણ સાક્ષરજીવનનો વિકલ્પ બાદ નથી કર્યો, બલકે રાજકીય, સાંસારિક અને અન્ય વ્યવહાર કાર્યોમાં ગુંથાયેલ પ્રવૃતિ પારાયણ જીવનમાં સરસ્વતીની પ્રતિષ્ઠા જોવા મળે એવો વિકલ્પ એમણે ખુલ્લો રાખ્યો છે. સરસ્વતીની ઉપાસના અને જાહેર સંડોવણીએ બે પરસ્પર વિરોધી લાગતાં હોય તો પણ પરસ્પર ઉપકારક હોઈ શકે છે.

આ સાથે પરિષદ પ્રમુખને સિતાંશુ યશશ્ચંદ્ર, રઘુવીર ચૌધરી, ધીરૂબહેન પટેલ, કુમારપાળ દેસાઈ, વર્ષા અડાલજા, ધીરૂભાઈ પરીખ તેમજ આ ઉપક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રહેલાં વિપુલ કલ્યાણીએ વીડિયો મેસેજ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રકાશ ન. શાહ સાથે ઉપપ્રમુખ તરીકે માધવ રામાનુજ અને પ્રફુલ્લ રાવલ તેમજ મહામંત્રીમાં કિર્તીદા શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

(2:56 pm IST)